શનિવાર, 21 ઑગસ્ટ, 2021

છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે 

આવીને વળગે છે

એ એવી:  વિહવળ

કરી દે સામટા ગળગળા

છૂટા પડવાની વેળા


નૈન અગનગોળો

જેમ

ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં

લોપાઇ જાય

આકાશની વિશાળ છાતીમાં

ને

ઓઢી લે 

એ પણ પછી

અંધારું- ઢાંક પિછોડો.


ટમટમે દરદ ઠેર ઠેર

તારા વગર

રાત થતી હશે?

જતી હશે?

... હાય!

છૂટા પડવાની ઘડી

ઘડીભર છૂટતી નથી

કાળજે ચોંટેલી

પણ કાળજું લુંટતી નથી


ક્યાંક નિર્જળ

કયાંક સજળ

કરતી રહે છે વિહવળ

રે, મીત વિનાના મેળા

છૂટા પડવાની વેળા.


બાબુલ


રવિવાર, 4 એપ્રિલ, 2021

સબર - બાબુલ

સબર


યાર દોસ્તીની ખબર કર
પ્રેમ જેવી તું અસર કર

ખોલ ધોળા આવરણને
કોરી ધાકોર નજર કર

રંગ પામ્યા છે અંત બસ
એમને ખાતર કબર કર

ના કર માતમ ગમ ન સિતમ
સાંભળ: સંભાળ, સબર કર

અંત છે આરંભ  'બાબુલ'
તું એક ઈશ અકબર કર.

બાબુલ:

એક સ્વજન, જ. ખલીલ ધનતજવી ના દેહાંત (ઇન્તેકાલ)ના સમાચાર પર:

અવસાન પ્રસંગ:  આ સંસારમાંથી આખરી વિદાય - સફેદ કફન, અંતિમ દર્શન, શ્વેત પરિધાન ( રંગ અંત); રુદન- આક્રંદ વચ્ચે ઉભરતી ફિલસૂફ  સલાહ, સૂચન: ધૈર્ય, સમજદારી અને શ્રધ્ધા- આસ્થા.  મક્તા ( અંતિમ શેર) - મત્લા (પ્રથમ શેર- આરંભ)નો મહિમા કરે છે:  આવે ટાણે પ્રેમ -દોસ્તી થકી શાતા પ્રસરાવીએ. 
પ્રાર્થના (દુઆ) કે એમના મૃતાત્મા (રુહ)ને વૈકુંઠ (જન્નત) પ્રાપ્ત (નસીબ) થાય.  

શનિવાર, 27 માર્ચ, 2021

Lockdown ન પ્રાસ ન કવિતા: બાબુલ

 ન આવે

કવિતા કોઇ 

ન ગઝલ

નહિ કોઇ છંદ, લય કે પ્રાસ


છું મુગ્ધ હું  

એ હવામાં

જે વિંટળાય છે તને

અને

પસવારે તારા હ્રદયને

ઉતરી છાતીમાં લઇ શ્વાસ


આમળી અનામિકા પર

તારી અલકલટને

જોયાં કરું

ગાલ પર ઉભરતાં

શેહનાં

રતુંબડાં રેખાચિત્રો


અચાનક છોડી દઉં

બંધ કેશ ને

અષાઢી વાદળિયા ઝુલ્ફો

રેશમી પીઠ પસવારે - ત્યારે

પાંપણ ઝૂકી જાય

હોઠ મોઘમ મલકી જાય


બસ  આવે છે આ સપનાં

અહર્નિશ

વણછીપી આશ

ન  આવે ગીત કોઇ ન ગઝલ

ન તો રદીફ, ન પ્રાસ.


બાબુલ

૧૩ માર્ચ ૨૧

શનિવાર, 6 ફેબ્રુઆરી, 2021

ઘા... બાબુલ

સાજન

એવું  પણ  થઈ શકત

કે તને અઢળક પ્રેમ કરત

અધર સુંદર હૈયું છાતી 

રોજ સ્વયં ધરત.

કિન્તુ 

એમ થઈ  ન શક્યું:

ગંઠાયેલા ઉરોજને

ઉતારી લીધાયા પછીના

ઘા ભરાઈ ગયાં છતાં 

છે લીલાં- દર્દીલાં 

ને હૈયાં હાયકારે  સૂકાંભઠ:

અને એવાં જ હોઠ 

સાજન, જોઉં કને

પીડ વળગે રે મને

ખોઈ  ચુકી છું હું જાણે જાત  

આપું  તો શું  આપું તને

હું એક  વિસરવા જેવી વાત.


બાબુલ

વિશ્વ કેન્સર દિન 2021.
ગુરુવાર, 14 જાન્યુઆરી, 2021

રાત...બાબુલ

 પાસાં ફરતી રહે

મારી સોડમાં 

રાત 

વિચાર વિચારમાં 

મળસ્કું 

થઈ જાય:

કવિતા ગુલાબી બાબુલ. 14.01.21.

શુક્રવાર, 25 ડિસેમ્બર, 2020

નહિ મોન્તા -બાબુલ


નહિ મોન્તા 
વરી ,
અમોં કો...ય  સોં ન્તા મોં 
...
શ  અમાર તો 
ગોમ મોં જ શોં ન્તા
ન  પૂરતી શ 
ભલ ન શૉમરી ન પાતરી 
...
અમોનં  વિલાયતી  દેવતૉની 
કોય  જરૂર નહિ 
અન  નઇ જરૂર ઇના થેલાની ક 
ઇયાંની શોકલેટ, ગોરીઓની 

મફરી , બોરાં , ટેભરોં 
ફોંટમોં બૉંઘી ન રોજ ભરી લાવ શ 
અમોરી શોં ન્તા
તો 
વરહ ના વસલા  દા  ડ 
સોં ન્તા ની લાય મોં
હું કોંમ ઉપાડો લઇ બેઠા સો  લ્યા 

ક યું  ના ?
ક  
નહિ મોન્તા
અમં  કો...ય  સોં ન્તા મોં 


બાબુલ 
25 ડિસે. 2020

શનિવાર, 28 નવેમ્બર, 2020

લુંટાયેલી કવિતા- બાબુલ

લુંટાયેલી
એક કવિતા
જેની ચીરહરણની ચિચિયારીઓથી 
ચકલીઓની ઉડાઉડનો ફફડાટ
અસ્તાચળના આખરી પ્રકાશમાં 
ક્યારનો આથમી ચૂક્યો હતો

એની
પિંખાયેલી કડીઓ, ચૂંથાયેલી 
દેહલતા મેલી
તૂટેલા મણકા: 
વેધાયેલી જિહ્વા
પર
મૂંગી વેદનાનું લોહી ગંઠાઇ ગયું હતું  
સીમની પેલે પાર
...
... પાદરે જામેલી મહેફિલમાં
અલંકૃત ગઝલના 
ચૂંટાયેલા શેર
વાહવાઇના મદમાં દોહરાતા રહ્યા
કંઠસ્થ થતા ગયા.
...
કાગળ સમેત સળગી ચૂકેલી 
એ કવિતાની ભસ્મ
અલોપ થઇ ચૂકી છે
ને કોઇ સભામાં 
એની નોંધ પણ લેવાતી નથી
...
બાકી કવિતાઓ  હજી ગવાયા કરે છે
ઘવાયા કરે છે...


બાબુલ


છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...