એક કવિતા
જેની ચીરહરણની ચિચિયારીઓથી
ચકલીઓની ઉડાઉડનો ફફડાટ
અસ્તાચળના આખરી પ્રકાશમાં
ક્યારનો આથમી ચૂક્યો હતો
એની
પિંખાયેલી કડીઓ, ચૂંથાયેલી
દેહલતા મેલી
તૂટેલા મણકા:
વેધાયેલી જિહ્વા
પર
મૂંગી વેદનાનું લોહી ગંઠાઇ ગયું હતું
સીમની પેલે પાર
...
... પાદરે જામેલી મહેફિલમાં
અલંકૃત ગઝલના
ચૂંટાયેલા શેર
વાહવાઇના મદમાં દોહરાતા રહ્યા
કંઠસ્થ થતા ગયા.
...
કાગળ સમેત સળગી ચૂકેલી
એ કવિતાની ભસ્મ
અલોપ થઇ ચૂકી છે
ને કોઇ સભામાં
એની નોંધ પણ લેવાતી નથી
...
બાકી કવિતાઓ હજી ગવાયા કરે છે
ઘવાયા કરે છે...
બાબુલ