શુક્રવાર, 25 ડિસેમ્બર, 2009

એવું કરો - મહેંક ટંકારવી



એવું કરો કે રોજ મુલાકાત થઇ શકે
આપસમાં પ્રેમની બે ઘડી વાત થઇ શકે
ઘૂંઘટ ઉઠાવો આપ તો, ઉગે દિવસ ને
ઝૂલ્ફો વિખેરો આપ ને રાત થઇ શકે

મહેંક ટંકારવી   

ગુરુવાર, 24 ડિસેમ્બર, 2009

વિશ્વમાનવી -ઉમાશંકર જોશી

Christmas Greetings!!! It is the season of festivities and goodwill around the world. We offer our warm greetings for the festive season. The message of concordance and benevolence is so beautifully captured in the following verses of the premier Gujarati poet, Umashankar Joshi. Best wishes for the festive season. વિશ્વમાં અત્યારે નાતાલ ઉત્સવ પર્વ છે - સદભાવના અને કરુણાનો અવસર ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌ વાંચકો ને અમારી હાર્દિક શુભકામના. આ ટાણે યથાયોગ્ય - મૈત્રી, સહિષ્ણુતા અને સહ્ર્દયતાનો સંદેશ જે આપણા ધુરંધર ગુજરાતી સાહિત્યના મોવડી શ્રી ઉમાશંકર જોશી ના  પ્રખ્યાત 'વિશ્વમાનવી' કાવ્યમાં જીવંત છે અને એ  આપને સાદર છે,   શુભેચ્છા સહ


વિશ્વમાનવી
કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.
સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝૂકવું ચંદ્રહોડલી,
સંગી બનું ના ધૂમકેતુ-પંથનો.
વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.
વ્યકિત મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
                     
- ઉમાશંકર જોશી



સૌજન્ય: વિપુલ કલ્યાણી 

મંગળવાર, 22 ડિસેમ્બર, 2009

મહાભારત, એક માથાકૂટ - કૃષ્ણ દવે


કૃષ્ણ દવે ની કલમે કંડારેલ આ કૃતિ માર્મિક રચનાઓની અગ્રહરોળમાં સાહજિકતાથી ગોઠવાઇ જાય છે... મહાભારત ના પ્રત્યેક પાસાની એમની નજરે કરેલી છણાવટ એમના આધ્યાત્મિક અવલોકન અને વિવેચન ઉપરાંત એમની કસાયેલી કલમની પ્રતીતિ કરાવે છે.  મારી પ્રિય પંક્તિઓ દ્રોણ અને વેદવ્યાસની છે.... કાવ્ય વ્યથાની વ્યાધિ આમ તો વ્યાપક નથી જ ! 


મહાભારત, એક માથાકૂટ...
જે કરવાના હતા જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે.  _કૃષ્ણ.
રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું-
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે.  _ભીષ્મ.
સમજણની નજરથીયે ના સમજે તો સમજી લેવાનું,
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે.  _ધ્રુતરાષ્ટ્ર.
આંખોએ પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને?
આમ જુઓ તો હકીકતોથી  રોજ ડર્યાની માથાકૂટ છે.  _ગાંધારી 
નહિતર એવી કઇ માં છે જે વ્હાલ નદીમાં તરતું મુકે!
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે.  _કુંતી.
નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે.  _સહદેવ.
ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યા
હોય અંધ ના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે.  _દ્રૌપદી.
સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે.  _ભીમ.
કવચ અને કુંડળની સાથે જીવ પણ ઉતરડી આપું કે?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે.  _કર્ણ.
તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડે ને!
હા અથવા ના ની વચ્ચો વચ્ચ આમ ફર્યાની માથાકૂટ છે.  _અર્જુન.
અંગુઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિ બસ
ખોટ્ટી મૂરત સામે સાચ્ચા થઇ ઉચર્યાની માથાકૂટ છે.  _એકલવ્ય.
છેક સાત કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે.  _અભિમન્યુ.
મૃત્યુ સામે કપટ હારતું લાગ્યું ત્યારે સમજાયેલું
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે.  _શકુની
નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી,
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે.  _દ્રોણ
થાકી હારી આંસુના તળીયે બેઠા તો ત્યાં સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે.  _દુર્યોધન.

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે.  _અશ્વત્થામા.
ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે?
સત્ય એટલે મુઠ્ઠીમાંથી રેત સર્યાની માથાકૂટ છે.  _યુધિષ્ઠિર.
મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં
ઓતપ્રોત થઇ ઉંડે ને ઉંડે વિચર્યાની માથાકૂટ છે.  _વેદવ્યાસ  

કૃષ્ણ દવે


      

રવિવાર, 20 ડિસેમ્બર, 2009

दरिया प्रेमका - અમીર ખુસરો

खुसरो दरिया प्रेमका, जा की उलटी धार
जो उतरा सो डूब गया, जो डूबा सो पार
अमीर खुसरो 


सौजन्य:  दाऊदभाई घांची 



દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...