શનિવાર, 13 ફેબ્રુઆરી, 2010

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું - જગદીશ જોશી


પ્રેમીના સંવેદનો શ્રી જગદીશ જોશીના આ ઊર્મિગીત માં અજબ છલકાયા છે, એમાં ભીંજાવાથી ખડક પણ બચી શકે કે કેમ એ એક શંકા છે.    

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે  હરણાં જેંવાં
પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .

જગદીશ જોશી  

બુધવાર, 10 ફેબ્રુઆરી, 2010

હે પ્રભુ - રવીન્દ્રનાથ ટાગોર


જગ્દેશ્વરથી શું માંગવું? એ તો અંતર્યામી છે, આપણી મૂક અને પ્રગટ લાગણીઓ વાંચ્છાનાઓની એને સતત જાણ રહે છે,  આપણી આંતરિક અને બાહ્ય જરૂરિયાતોનો એને ખ્યાલ છે છતાં માનવ સહજ નબળાઈઓમાં ટકી રહેવા એનો સહારો જોઈએ છે  ને? પ્રિય હિનાબેને  પાઠવેલ કવિવરની આ પ્રાર્થના હૃદયસ્પર્શી છે.

હે પ્રભુ,
સંજોગો વિકટ હોય  ત્યારે
સુંદર રીતે કેમ જીવવું  તે મને શીખવ .

બધી બાબતો  અવળી પડતી  હોય ત્યારે ,
હાસ્ય અને આનંદ કેમ ના ગુમાવવા  તે મને શીખવ .
પરિસ્થિતિ  ગુસ્સો પ્રેરે  એવી  હોય ત્યારે ,
શાંતિ કેમ રાખવી  તે મને શીખવ .

કામ અતિશય  મુશ્કેલ  લાગતું  હોય ત્યારે ,
ખંત થી  તેમાં  લાગ્યા  કેમ રહેવું તે મને શીખવ .

કઠોર ટીકા અને નિંદાનો વરસાદ  વરસે ત્યારે ,
તેમાંથી  મારા ખપનું  ગ્રહણ કેમ કરી લેવું તે મને  શીખવ.

પ્રલોભનો , પ્રશંસા , ખુશામત ની  વચ્ચે ,
તટસ્થ કેમ રહેવું  તે મને શીખવ .

ચારે બાજુથી  મુશ્કેલીઓ  ઘેરી  વળે,
શ્રદ્ધા ડગુમગુ  થઇ  જાય ,
નિરાશાની  ગર્તામાં મન ડૂબી જાય,
ત્યારે ધૈર્ય  અને શાંતિથી  તારી કૃપાની  પ્રતીક્ષા 
કેમ કરવી  તે  મને  શીખવ .

રવીન્દ્રનાથ ટાગોર

સૌજન્ય: હિના શુક્લ (અમદાવાદ)

રવિવાર, 7 ફેબ્રુઆરી, 2010

વ્યથા - બાબુલ

મારાં રૂંવે રૂંવા ને
ખેંચી કાઢી
એમાંથી ઉપસેલી
લોહી ની લાલ ટશરો ને 
ચૂસ્યા કરે છે
એક પિશાચી તત્વ

એના 
તીણા નહોર
મારી ચામડીથી ય
ઊંડા 
ઉતરી ગયા છે
 
સતત સંવાદિતતાથી 
સ્નિગ્ધ રહેતું
સ્વરૂપ
સાવ વિકૃત થઇ ગયું છે

એ શેતાની દ્રવ્ય
ભીડાવી દે છે 
એના લાંબા
ગંદા
લોહિયાળ દાંત
મારા હૃદયમાં 

મારું 
શ્વેત 
સાફ
દાગરહિત વસ્ત્ર
ખરડાઈ જાય છે

કોઈ બદનામ વસ્તીની આગ 
આવીને જલાવે છે
મારાં
અધુરાં
અધવચ્ચે અટવાયેલાં
અળખામણા સ્વપ્નોની હોળી

અકાળાયેલું મારું માનસ
થાકી ગયું છે સાવ
કહ્યું કોઈકને ક્યારેક જો મેં - 
કોઈએ હસી લીધું
કોઈએ રડી દીધું 


બાબુલ 
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી  

છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...