લેબલ 'બાબુલ’ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'બાબુલ’ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 1 જુલાઈ, 2014

પરાયો - બાબુલ


અવાજ આ પરાયો  હોય છે
ડૂમો ગળે ભરાયો હોય છે
જુએ ન કોઈ વાટ છતાં
રસ્તો કાં અટવાયો હોય છે
જયારે સૂરજ ચળકે માથે
નાનકડો  પડછાયો હોય છે
છે નસીબ ફૂટેલું કે પથ્થર
આયને અથડાયો હોય છે 
ઉડી જાય છે કાગડા ફટાક
ને હંસલો પકડાયો હોય છે
છે બેસુમાર નામ ‘બાબુલ’
એ દિલમાં સમાયો હોય છે
બાબુલ
૧૯  /૧૦ /૨૦૧૦  શિકાગો 

શુક્રવાર, 23 નવેમ્બર, 2012

માણસ - 'બાબુલ’


ન મારા માણસ ન તારા માણસ
લઇ આવ બે ચાર સારા માણસ
થઈ જાશે ટોળું બસ ઘડી ભરમાં
ન કર તું ભેગાં વધારા માણસ
બાબુલ 

રવિવાર, 1 એપ્રિલ, 2012

દંભ - બાબુલ

ધજા છે ઉંચી ઉંચા સ્તંભ છે
મજાનાં કેવાં સમારંભ છે
સત્ય છે  બધે નરી છલના
રોમે રોમ છલકતો દંભ છે

બાબુલ 

શનિવાર, 31 માર્ચ, 2012

પોરની વસંત - બાબુલ


ખૂબ ગમી'તી મને પોરની વસંત
કેમકે તમે હતા અહીં
ને કોયલ પણ બાગ મહીં
જેના મધુર ગાન હતા પસંદ તમને
કેટલા વ્હાલા હતા તમે અમને
... છે વાત જુદી, જુદી ઓણની વસંત
ન સ્મરીએ કૈં- તમને બસ, છતાં
છેવટ એ ય વાસંતી ગીત હતાં
એથી
હું ગમાડીશ એને એમ
ઓલી કોયલની જેમ
બાબુલ

રવિવાર, 25 માર્ચ, 2012

રસિયા- બાબુલ

આજથી યુ.કે. માં Spring Timeની શરૂઆત થઈ, તો નવા સમયે નવી રચના!

રસિયા કાં રે  રિસાણા હો  જી
હેતમાંથી કાં  ખિજાણા હો  જી

હિંડોળે ઝૂલતી એ ઠેસ નાની 
ઉરે ઉછળતી  ઉર્મિઓ છાની 
દાંતે અધરું ભિસાણા હો  જી
રસિયા કાં રે  રિસાણા હો જી

 નજરુંને ઢાળું ભાળું  તો લીલીછમ
મહેંકું હું તમથી બસ તમારા સમ
વાસંતી તડકે ભિંજાણા હો જી
રસિયા કાં રે  રિસાણા હો જી

બાબુલ





મંગળવાર, 13 માર્ચ, 2012

જંગ - બાબુલ

જંગ 

છેદાયેલા દેહ
અને વેરવિખેર અવયવોને
એકઠાં કરી 
સાંધતા સાંધતા
બુઠ્ઠી થઇ ગઈ છે 
સૌ સોયો.


ક્યાંક તૂટેલા ઘરની
અડધી બળેલ છત પર ઉભી   
કોઈ યુગો જૂની
પ્રતીક્ષા  
રોજબરોજના વિસ્ફોટોમાં
ડહોળાઈ ગયેલી 
પૂર્વીય હવામાંથી
પોતીકો લાડકવાયો પ્રગટે
...પરત આવે
એ આશે તપ્યા કરે છે
સંવેદનાની જેમ .


નાયલોનના ટાંકા અને
સૂતરના પાટામાં બંધ
લોહીયાળ યાતનાના અંતિમ ઉચ્છવાસથી
ઘટ્ટ થયેલી હવામાં
ગૂંગળાઈ મરતી પ્રતીક્ષા
કણ કણ થઇ વિખરાઈ ચૂકી છે

... વેરવિખેર અવયવોને
હજુ ક્યાં સુધી એકઠાં કરવાં પડશે?

બાબુલ 

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

વ્હાલમાં - બાબુલ


છે કાઈ જુદું હવે ચાલમાં
ખોવાઈ જાતે આજ કાલમાં
કોઈ તો બતાવે કે કેમ રે
લાગે મને ઓછું વ્હાલમાં

બાબુલ 

શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

શોધું છું - બાબુલ


નિરાંત શોધું છું
હું જાત શોધું છું
છે કેટલી મારી
વિસાત શોધું છું
રે સપના જેવી
એ રાત શોધું છું
ક્યાં હતી ખાનગી  
જે વાત શોધું છું
છું  બાબુલ તો યે
હું તાત શોધું છું
ન  હોત જો બાબુલ
શું થાત શોધું છું


બાબુલ

રવિવાર, 22 જાન્યુઆરી, 2012

દોસ્ત - બાબુલ

દોસ્ત જો થવું હો તો  વિશ્વાસ બની જો
આખરે પણ થાય તો પ્રાસ બની જો 
આવ તો  કરું ખાલીપાને  રણકાતા 
ઓ હવા તું કદી મારો શ્વાસ બની જો 

બાબુલ ૨૨/૧/૧૨ 


રવિવાર, 15 જાન્યુઆરી, 2012

પૂછી જો - બાબુલ


શું શું  સાચવે કોટને પૂછી જો
સાલે છે શું એ ખોટને પૂછી જો
ના દે દોષ લોહિયાળ પથ્થરને
કોનો હતો ઘા ચોટને પૂછી જો
મારો ખુદા તો સતત ધબકતો
છે શોધ કોની દોટને પૂછી જો
ભેગા થવામાં પીડ હોતી નથી?
કેવી વીતે છે હોઠને પૂછી જો
દાણા હોત તો લ્હેરાત ‘બાબુલ’
ઊડી ગયેલા  લોટને પૂછી જો  

બાબુલ ૧૩/૧/૧૨

શનિવાર, 31 ડિસેમ્બર, 2011

હેપી ન્યુ યર - બાબુલ

નવી તારીખ નવું પાનું છે
હેપી ન્યુ યર આવવાનું છે
ઘડીના લગોલગ છે બાહુ
ફરી નાચવાનું બહાનું છે
થયું આ વરસ પાયમાલ
અને ખાલી મનનું ખાનું છે
જવા દે ન પૂછ કેવું ગયું
કેવું હશે નવું જોવાનું છે
કરીએ આંખ બંધ બાબુલ
કહે છે કે સપનું મજાનું છે

બાબુલ 

રવિવાર, 25 ડિસેમ્બર, 2011

ચાલને - બાબુલ

અહી  છે
યોર્કશાયરિ યૌવન
દરેક ઢોળાવે ઢોળાયેલું
છે છવાયેલો
બરફ બહાર ને
મનમાં મોસમ છે
ચેરી બ્લોસમની
તો
ચાલને ચુલબુલી
તડતડતા તાપણે
આલિંગીએ આપણે
કે જાગે જગતમાં
પ્રણયના પ્રવાહો
ઘેલી  એર* નાં નિર્મળ
જળ શી આહો...
...કો'ક દિ ક્યાંકથી
દેશનું સપનું થઇ આવો !

બાબુલ  ૧૮ ડીસેમ્બર ૧૧
(* એર - યોર્કશાયરની નદી )

શનિવાર, 17 ડિસેમ્બર, 2011

ઘેટું - બાબુલ


એક ઘેટું
એકલું બેઠું
વાડ ઠેકી
ખેતરે પેઠું
નથી જોતું
ઘાસ એઠું
ભાંડુથી એ
કેટલું છેટુ
બાબુલ તું
લાવ હેઠું

બાબુલ
એડિનબરો ૧૪/૬/૧૦

મંગળવાર, 6 ડિસેમ્બર, 2011

ભય- બાબુલ

ઉંચાઈનો ભય લાગે છે
ઉંડાઈનો ભય લાગે છે
આંબીને શિખરને અંતે
આ ખાઈ નો ભય લાગે છે
અરે વાત શું કરું દોસ્તો
કે  ભાઈનો ભય લાગે છે
જીત્યા તો  સિકંદર હા રે
કાં રાઈનો ભય લાગે છે
બાહુપાસમાં ન લો જાનું
જુદાઈનો ભય લાગે છે
શું માપથી મળશે જમીન
લંબાઈનો ભય લાગે છે



 બાબુલ



ગુરુવાર, 24 નવેમ્બર, 2011

અભિમન્યુ - બાબુલ

અભિમન્યુ

અર્ધ સૈકે
સપ્ત કોઠા  સુપ્ત
જગાવ્યા જૈફે
રહસ્ય સર્વ ગુપ્ત

દૃષ્ટિ શિથીલ
શિથીલ તમામ ગાત્ર
રુધિર ઉત્ચ્છ્લ ગતિશીલ
શેષ શ્વાસ માત્ર

બાબુલ 




રવિવાર, 20 નવેમ્બર, 2011

સજા - બાબુલ


દઇ દ્યો
સો સાટકાની સજા
કેમ કવિએ કવિતામાં
પૂર્યા
પાંચ પચીસ પતંગિયા
યા
પહેરાવી પોપટને પારેવાની પાંખ
કેમ
ચાંદલિયાને ચગાવ્યો
ચોરી ચકલીની ચાંચ
એમ તો એમ
પ્રગટાવ્યા પુરબહાર પ્રેમ
પહેલા પગરવના પૂજન
પછી રંગ્યા રૂદિયાની રગમાં રુદન
ને 
નદીને નીચોવી નિર્મમ
સાવ સૂકવી સખી
વેરી વહેણે વરણાગી વર્ણન
લાલ લોહીમાં  લ્હ્યાય લખી  
રે 
ખંજરથી ખોતર્યા ખંજન
નિતાર્યા નયન નવોઢા શા
આંજી અધર ઓગાળ્યા અંજન
તો ય શબ્દ શુરા  શરમાય ના

...કેટલા કર્યાં કુકર્મો કાવ્યમાં
કહે કાગળ કલમ
સો દ્યો સજા

બાબુલ 

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

શું થાત - બાબુલ


નિરાંત શોધું છું
હું જાત શોધું છું
ન  હોત જો  બાબુલ
શું થાત શોધું છું

બાબુલ

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

ઈદ - બાબુલ

ઈદ મુબારક 

કોઇ દિ દુખડા કોઇ દિ મોજ
રોજ રોજ રોજા ઈદ ય રોજ
તારણ એક એ તારણહારો જ
ખુદમાં ખુદ તું ખુદાને ખોજ 

બાબુલ 

શનિવાર, 27 ઑગસ્ટ, 2011

ડીજીટલ દુઆ -બાબુલ

ડીજીટલ દુઆ 

પ્રભુ
સકલ વિશ્વના સર્વર પર
જિંદગીના લેખાજોખા ચાતરતું 
 મારું અકાઉન્ટ પણ ક્યાંક હશે 

ચાહું તો છું કે એ ખાતે
યુઝરનેઈમ ને પાસવર્ડ મળે
કિન્તુ
જાણું છું કે એ પ્રોટોકોલ નથી 
એથી

એટલી અરજ રજુ કરું 
કે
મારા ખાતાના તમામ સ્ખલનો ને
ડીલીટ કરી દ્યો 
પ્રભો 

સ્તુતિ અર્ચન દુઆ હવે
કરું છું સતત લોગ 
ને વર્ચ્યુઅલ પ્રાર્થના થકી
રાખું છું તારું સ્મરણ અલાઈવ 

તારા જ કોઈ એક વાદળમાં
સિક્યોર મારા અકાઉન્ટને 
બક્ષી દો
પ્રભો.

બાબુલ 
વેટિકન, જુલાઈ ૨૦૧૧ 

ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011

ખંડિત નિસાસા: - બાબુલ

ખંડિત
શિલ્પ શા
નિસાસા:
ખંડેરમાં વિખરાઈ પડ્યાં છે-
અર્ધ સ્તંભને
વીંટળાઈને સૂતી છે
રોમ રોમ વ્યાપેલી
વિટંબણા.

દેવળની છત પર
ક્ષત વિક્ષત
રંગ –ઝાંખો; વૃદ્ધ.

આલેખિત શિલાઓ પર
ક્યાંય ઉલ્લેખ નથી
સાંકડી શેરીમાં ઉછરેલ
નિર્દોષ બાળપણનો!
એથી જ  કદાચ
લોપાઈ ગયાં છે
સામ્રાજ્યના
ઝગારાં બંધ સોપાનો:

હવે
વેરવિખેર ખંડેરો
સ્મરે છે તો નિસાસા:
ખંડિત શિલ્પ શા.

બાબુલ 

રોમ: ૧૮ જુલાઈ ૨૦૧૧ 

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...