મારા 'કી બોર્ડ ના કવન' પછી હવે ભાઈ કૃષ્ણ દવેની 'લિમીટ' માણીએ! આ જગઝાળાની આ જ તો મજા છે કે ક્ષણવારમાં જોજનો સુધી પહોંચી જવાય છે.એટલે જ કદાચ કૃષ્ણભાઈ લિમીટની વાત કરે છે!
ધારે તો સ્ક્રીનપર એ તમને જ ફીટ કરી દે
ધારે તો મૂળમાંથી તમને ડીલીટ કરી દે
જાણે છે એમને જે તૈયાર એ રહે છે
કોને ખબર એ ક્યારે કોને રીપીટ કરી દે
મોકલ હજુયે મોકલ આનાથી ઘૂંટ કાતિલ
પીનારનો ભરોસો એનેય સ્વીટ કરી દે
અવગણ નહિ તું એને ક્ષણને વિરાટ પગ છે
બે ચાર સ્ટેપ મુકે તારી લિમીટ કરી દે
શંકાની ન્યાત આખ્ખી હંમેશ ફ્લોપ ગઈ છે
ટાણું એ સાચવી લે શ્રધ્ધાને હિટ કરી દે
દેખાય ધૂંધળું તો લ્યો આ ગઝલને પ્હેરો
દ્રષ્ટિનો ભેદ ભાંગે દ્રશ્યોને નીટ કરી દે
કૃષ્ણ દવે (અમદાવાદ)