શુક્રવાર, 19 એપ્રિલ, 2024

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન

[જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને] 


તમે કહો છોઃ

જે કંઇ છે મારાં

નાનાં મોટાં યત્નો 

વ્યર્થ છેઃ 

જ્યારે તોળાતો હશે ચુકાદો નાજુક 

એ નહીં નમાવી શકે

દુર્નિર્ધાર્ય ન્યાયનું ત્રાજવું.


હું નથી માનતો કે મેં એવું ધાર્યું ય’તું 


છતાં, 

નિશંક 

છે મને પક્ષપાત જક્કી

-કરું સમર્થન: સર્વ ચર્ચાથી પરે-

ખુદના સ્વાયત્ત હક સારું

કે

સ્વયં કરી શકું નક્કી

ત્રાજવાની કઇ બાજુ પામશે

પાશેર, પણ દુર્દાંત વજન મારું 


બોનારો ઓવરસ્ટ્રીટ ના કાવ્ય Stubborn weight નો ભાવાનુવાદ 


બાબુલ 

શનિવાર, 9 ડિસેમ્બર, 2023

આપણે - બાબુલ


ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો 

દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો 

આભ આખું લગાવે આગ ચોગમ અહીં

 ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો

ભૂખ તો ક્યાં ય ખોવાઇ બચપણ જેમ અહીં

છોકરાં કરગરે છે આપણે ચુપ રહો

ગામ છોડી થવાના બાપડા હિજરતી

જીવ સૌ નો ડરે છે આપણે ચુપ રહો 

હાયકારા ચિત્કારો વંચિતો દફન છો

માત રોયા કરે છે આપણે ચુપ રહો

દેહ ખંડેર છે, માંહ્યલો ય મૃત બાબુલ

શાંતિ ખોયા કરે છે આપણે ચુપ રહો


બુધવાર, 14 ડિસેમ્બર, 2022

ઉદ્વેગ - બાબુલ

 ઉદ્વેગ 


ઉદ્વેગઃ

રાખ ઢાંકેલ

બુઝાયેલ અંગાર 

સ્હેજ હવાથી ભભૂકે

પ્રજ્વલિત 

અગન દાહ 

લપેટે મન -વિચારશૂન્યતા

સળગે મનન

વિટંબણાવિમાસણ

શૂન્ય સંવેદન

બુઠ્ઠાં વર્તન 

બધિર નયન 

અસહ્ય!

યાર 

આગ  ઠાર

અને

નિકાળ સૌ અંગાર 


બાબુલ ૧૪ ૧૨ ૨૨

શુક્રવાર, 24 જૂન, 2022

હથેળી - બાબુલ


હથેળી

રેખાઓના અકસ્માતથી

ઓચિંતી ખરડાય 

લોહીલુહાણ

થાય,

આંગળીઓ

લૂંછી લે જેટલું

લૂંછાય


લીટીઓ સમ

સઘળું કૈં દોડે 

બદલવા દિશા 

દશા અમળાય


ભાગંભાગ-

ત્રાગાં માંગા સૌને ભાગ

ભાગ્ય મુઠ્ઠીભર સમજાયઃ


 

હથેળી

હાથતાળી દઈ જાય


બાબુલ ૨૪.૬.૨૨




શનિવાર, 1 જાન્યુઆરી, 2022

Wee wish - Babul

This year too

will be confined to history

Savoury memories that can be cherished

And sickening shocks of all things that perished

Still

I see here,

eager to walk in glory 

another new year

Hope still safe 

that breaths new health, peace and joy- I hear

A wee wish for a happy new year!


31 12 2021

શનિવાર, 21 ઑગસ્ટ, 2021

છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે 

આવીને વળગે છે

એ એવી:  વિહવળ

કરી દે સામટા ગળગળા

છૂટા પડવાની વેળા


નૈન અગનગોળો

જેમ

ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં

લોપાઇ જાય

આકાશની વિશાળ છાતીમાં

ને

ઓઢી લે 

એ પણ પછી

અંધારું- ઢાંક પિછોડો.


ટમટમે દરદ ઠેર ઠેર

તારા વગર

રાત થતી હશે?

જતી હશે?

... હાય!

છૂટા પડવાની ઘડી

ઘડીભર છૂટતી નથી

કાળજે ચોંટેલી

પણ કાળજું લુંટતી નથી


ક્યાંક નિર્જળ

કયાંક સજળ

કરતી રહે છે વિહવળ

રે, મીત વિનાના મેળા

છૂટા પડવાની વેળા.


બાબુલ


રવિવાર, 4 એપ્રિલ, 2021

સબર - બાબુલ

સબર


યાર દોસ્તીની ખબર કર
પ્રેમ જેવી તું અસર કર

ખોલ ધોળા આવરણને
કોરી ધાકોર નજર કર

રંગ પામ્યા છે અંત બસ
એમને ખાતર કબર કર

ના કર માતમ ગમ ન સિતમ
સાંભળ: સંભાળ, સબર કર

અંત છે આરંભ  'બાબુલ'
તું એક ઈશ અકબર કર.

બાબુલ:

એક સ્વજન, જ. ખલીલ ધનતજવી ના દેહાંત (ઇન્તેકાલ)ના સમાચાર પર:

અવસાન પ્રસંગ:  આ સંસારમાંથી આખરી વિદાય - સફેદ કફન, અંતિમ દર્શન, શ્વેત પરિધાન ( રંગ અંત); રુદન- આક્રંદ વચ્ચે ઉભરતી ફિલસૂફ  સલાહ, સૂચન: ધૈર્ય, સમજદારી અને શ્રધ્ધા- આસ્થા.  મક્તા ( અંતિમ શેર) - મત્લા (પ્રથમ શેર- આરંભ)નો મહિમા કરે છે:  આવે ટાણે પ્રેમ -દોસ્તી થકી શાતા પ્રસરાવીએ. 
પ્રાર્થના (દુઆ) કે એમના મૃતાત્મા (રુહ)ને વૈકુંઠ (જન્નત) પ્રાપ્ત (નસીબ) થાય.  

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...