રાષ્ટ્રના બંધારણ માફક ગઝલ બંધારણ એ દીર્ઘ અભ્યાસ નો વિષય છે. ભાઈ પંચમ નવી પેઢીના ગઝલકારોમાંના એવા ગઝલકાર છે જેમણે આ બંધારણને પચાવ્યું છે. આ ગઝલમાં એમના કોરડાના સોળ ચમચમે એવા છે. એની રચના ૨૬ જાન્યુઆરીએ થઇ એ કેવો સંયોગ?
પરંપરાના શાગિર્દની ગઝલ
ગયો ઈસ્લાહ લેવા ને હતા ઉસ્તાદ પણ હાજર,
ગડી વાળેલ ગઝલો તોય રહી ગઈ જેબની અંદર.
હૃદયમાં મંદાક્રાંતા ને શિખરિણી શ્વાસમાં તો પણ,
કલમ પકડું ત્યાં લાગે છે લગાગાગાનો ભારે ડર.
ભલું થાજો આ મહેફીલનું નથી જેમાં કોઈ શ્રોતા,
કરે ચુપકીદી મારી, મારા હર અશઆરનો આદર.
વકાસેલું વદન મારું- હું મારાં દિલમાં નીરખું છું,
નથી હું લાગતો પંડિત, નથી હું લાગતો શાયર!
પ્રભુ! ના કોરડો વીંઝો લથડતા બાળની ઊપર,
બિછાવો છંદનો ખોળો નીતરતો ભાવ છે સાદર.
- પંચમ શુક્લ
૨૬-૦૧-૨૦૧૦
પંચમની ગઝલ માં કુમાશ છે. એની અસર લાજવાબ છે. અભિનંદન.
જવાબ આપોકાઢી નાખોદાઉદભાઈ
4 Feb 10