શુક્રવાર, 12 સપ્ટેમ્બર, 2014

હોડકાં - બાબુલ

અધીર હૈયાં ધકધક નાડ
બેઠાં લગોલગ બે યુવાન ઝાડ
નદી પર લંબાવીને ડાળ
આછા વરસાદના ઉન્માદમાં
સ્હેજ ઝૂક્યા, ચૂમવા પ્રેમાળ 
પડ્યાં - તણાયાં   પ્રવાહમાં
...

વનરાઈથી જાગ્યો વલોપાત
અસહ્ય : વાદળ
ફાટ ફાટ
ફાટ્યાં  - પ્રવેશ્યાં અનાયાસ
ધસમસતા ઉપરવાસ
ઉલ્લંઘી સીમ તમામ
વસ્યું'તું હ્યાં સ્વપ્નીલ ગામ
...

કિનારા કેરી કોશિશ
તરવાની - નિષ્ફળ
ઉમટ્યાં
પ્રાણવાયુ પર પાણી
ફૂટ્યાં
ફૂલેલાં પરપોટાંનાં  શ્વાસ
... સપાટી પર
હોડકાંભર સમાચાર:
ચોતરફ ઊભરાતું  આકાશ  

બાબુલ 

ગુરુવાર, 21 ઑગસ્ટ, 2014

ઉજાસની પેલે પાર - બાબુલ

ખુલ્લી અગાસીમાં
શીતળ ચટાઈ પર
પથરાઈને
શાંત આકાશના તારાઓને
આંખના પરદે ટમકાવ્યા  હતાં
એ વિસર્યાનું સ્મરણ
સહસા જાગ્યું
જયારે
અમાસી નભે
નયને ચિતર્યા તારા
એ જ પરિચિત પરિમાણમાં
... ... રોજ અંજાતી કીકીઓને
આદત કરવી પડશે જોવાની
ઉજાસની પેલે પાર.

ઉજાસની પેલે પાર

બાબુલ
Livingstone, Zambia





મંગળવાર, 12 ઑગસ્ટ, 2014

તંદ્રા- બાબુલ

સંધ્યાએ જતાં  આપેલ વચન
અને સઘન આલિંગન
ગુલાબી ક્ષિતિજ પર
આરઝુ સમ ઝૂલે
નિશાનો પાલવ હળવેકથી
અત્યંત નજીક ખૂલે
ચાંદની બાહુપાશમાં આવી એ પહેલાં તો
તારા ઝળ ઝળ- જલન  પળ પળ
પૂનમ - શીતલ - શ્વેતા - મૃદુલ સ્નેહા
રાતભર નયનમાં એ જ સ્મરણ
ઉષાનાં ચુંબન પલક પર થાતા
તંદ્રા તૂટતાં જાણ્યું
સપનામાં કાવ્ય મંડાણું !

બાબુલ
Cape Town

રવિવાર, 3 ઑગસ્ટ, 2014

તર્પણ -બાબુલ

તર્પણ 

કોઈ ફરિયાદ નથી મારા ઈસાને
એને કોઈ દર્દ નથી
કોઈક તો કહી આવો દિશાને
અહીં કોઈ મર્દ નથી

એને રોજ હું કહેતો
આવી જ પવિત્ર ભૂમિની વાત
જ્યાં ખુલ્લો પવન વહેતો
ઇસો નાદાન પૂછતો: એની શું વિસાત?

અંગ્રેજી લોકશાહી, લંડન ચગડોળ
ન્યુયોર્ક: સ્વતંત્રતા દેવીનું ઘર
ટાવર પેરીસ! એનો રંગીન ઢોળ
દેવાં સપનાં, માંડતો હું વાતોની સફર

એને વાર્તા કહેવાની હવે ક્યાં જરૂર છે?
આમેય કેટલાંય દિ થી દીવા પાણી બંધ છે
છતાં - શ્રદ્ધા નયનનું નૂર  છે
બાકી ચોતરફ અજબ ગંધ છે

ધડાકા ભયાનક ગજબનાક ગોળા
ધરાશાયી ઘરો રક્તરંગી ધરા
મૂંગા થઇ સૂતાં એનાં  ભેરુડાં  ભોળા
ઇસાનો ય શ્વાસ ગૂંગળાયો હશે જરા

માનો વા, બાપુનો દમ
મારી પરી, એની ચૂમી -  ફરિયાદ  
પ્રેમ કરૂણા જિંદગી  બસ ખતમ
કોનું યુદ્ધ, કોણ બરબાદ

છે અંધકાર ચોપાસ ને શ્વાસની અછત
ઉડવા મળ્યું નહિ  આકાશ ભૂરું
નહિતર દરેક તોપ પર જઈને  લખત
ઇસાનાં આયખનું કાવ્ય અધૂરું 

બાબુલ 


 

મંગળવાર, 1 જુલાઈ, 2014

પરાયો - બાબુલ


અવાજ આ પરાયો  હોય છે
ડૂમો ગળે ભરાયો હોય છે
જુએ ન કોઈ વાટ છતાં
રસ્તો કાં અટવાયો હોય છે
જયારે સૂરજ ચળકે માથે
નાનકડો  પડછાયો હોય છે
છે નસીબ ફૂટેલું કે પથ્થર
આયને અથડાયો હોય છે 
ઉડી જાય છે કાગડા ફટાક
ને હંસલો પકડાયો હોય છે
છે બેસુમાર નામ ‘બાબુલ’
એ દિલમાં સમાયો હોય છે
બાબુલ
૧૯  /૧૦ /૨૦૧૦  શિકાગો 

શુક્રવાર, 9 મે, 2014

જરા કહી દઉં - બાબુલ

સુરજને નમવાનું જરા કહી દઉં
રાતને ખમવાનું જરા કહી દઉં
પુરબહાર ઉઘડ્યા છે બાગમાં
રંગોને રમવાનું જરા કહી દઉં
તને વળગેલી સોડમ લહેરાઈ
પવનને ગમવાનું જરા કહી દઉં
અરસપર આવરીને શરમાય છે
અધરને જમવાનું જરા કહી દઉં
કેફ ખુદ કંઈ એવો ચઢ્યો સખી
મગજને ભમવાનું જરા કહી દઉં
જલન તો મસ્ત છે કિન્તુ બાબુલ
આગને શમવાનું જરા કહી દઉં


બાબુલ

મંગળવાર, 6 મે, 2014

પાઘ - બાબુલ

વળી  ફરસ પર ઉઘડ્યા ડાઘ
ફરી પરસપર જો લડ્યા વાઘ
કરી સમજ રક્તરંગી શું કામ 
પછી પળભરમાં ઉછળ્યા પાઘ

બાબુલ 

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...