શનિવાર, 10 નવેમ્બર, 2012

સંઘર્ષ - બાબુલ

ધર્મ છે એ જ સંદર્ભ જુદો છે
અર્થ છે એ જ સંઘર્ષ જુદો છે
છે એ જ સફર ને  મંઝિલ પણ
મર્મ છે એ જ સંકલ્પ જુદો છે

બાબુલ 

ગુરુવાર, 8 નવેમ્બર, 2012

હાય રે - બાબુલ

હાય હાય રે હાય રે
હાય  હાય રે  હાય રે

ઘરનાં ઘરમાં ભુંજાયા
વીરા ને માડીજાયા
હાથમાં બંધાવ્યા હથિયાર  રે
... ... ... હાય હાય રે હાય રે

હાકોટા દેકારા
આ કાપો વો મારા
તો યે  કાં  ચૂપ તારણહાર રે
... ... ... હાય હાય રે હાય રે

ચૂંથ્યા સિંદુર સાડલા
નજર સામે જ લાડલા
ઉદર  ચીરન્તા ચિત્કાર રે
... ... ... હાય હાય રે હાય રે

રોયા ખાલીખમ ખોળા
લીલાં  ભગવાં કે  ધોળા
આંખોમાં કાળા ઓથાર રે
... ... ... હાય હાય રે હાય રે

બાબુલ
29/9/12




રવિવાર, 28 ઑક્ટોબર, 2012

સહારો - બાબુલ

તારો ને  બસ તારો જ છું હું
દીધો જીવ- ક્યાં મારો ય છું હું
ધારો તો ધરા તો  ગગન કદી
નિરાધાર છતાં સહારો ય છું હું

બાબુલ 

રવિવાર, 22 જુલાઈ, 2012

તારો - બાબુલ


કોઇના  તેજે ચળકે  છે તારો 
ક્યાં એ કોઇ  દિ  છલકે  છે તારો 
ઓ  ચંદ્રની  લાગે ના બુરી  નજર 
રોજ એ ભયથી ભડકે છે તારો 
અંધાર રાત ને  દિવડો એકલો 
ખુદ એ ખયાલથી મલકે છે તારો 
છે દોસ્ત ઉંચા  તેજીલા  ભારે 
પરાયા તેજે ચમકે છે તારો 
છે એનો વારો હવે ખરવાનો 
એટલે જ બહુ ટમકે છે તારો 

બાબુલ 
દુબઈ 14 2 12

રવિવાર, 1 એપ્રિલ, 2012

દંભ - બાબુલ

ધજા છે ઉંચી ઉંચા સ્તંભ છે
મજાનાં કેવાં સમારંભ છે
સત્ય છે  બધે નરી છલના
રોમે રોમ છલકતો દંભ છે

બાબુલ 

શનિવાર, 31 માર્ચ, 2012

પોરની વસંત - બાબુલ


ખૂબ ગમી'તી મને પોરની વસંત
કેમકે તમે હતા અહીં
ને કોયલ પણ બાગ મહીં
જેના મધુર ગાન હતા પસંદ તમને
કેટલા વ્હાલા હતા તમે અમને
... છે વાત જુદી, જુદી ઓણની વસંત
ન સ્મરીએ કૈં- તમને બસ, છતાં
છેવટ એ ય વાસંતી ગીત હતાં
એથી
હું ગમાડીશ એને એમ
ઓલી કોયલની જેમ
બાબુલ

રવિવાર, 25 માર્ચ, 2012

રસિયા- બાબુલ

આજથી યુ.કે. માં Spring Timeની શરૂઆત થઈ, તો નવા સમયે નવી રચના!

રસિયા કાં રે  રિસાણા હો  જી
હેતમાંથી કાં  ખિજાણા હો  જી

હિંડોળે ઝૂલતી એ ઠેસ નાની 
ઉરે ઉછળતી  ઉર્મિઓ છાની 
દાંતે અધરું ભિસાણા હો  જી
રસિયા કાં રે  રિસાણા હો જી

 નજરુંને ઢાળું ભાળું  તો લીલીછમ
મહેંકું હું તમથી બસ તમારા સમ
વાસંતી તડકે ભિંજાણા હો જી
રસિયા કાં રે  રિસાણા હો જી

બાબુલ





દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...