શુક્રવાર, 16 નવેમ્બર, 2012

મારું ચાલે તો - બાબુલ

જો મારું ચાલે તો
પ્રત્યેક પળ  પર લખી દઉં
સ્મિતભરી  કવિતા
લહેરાતી હવામાં વહેતાં  મુકું
અધરનાં  આલિંગનો

બાગનાં  ઘાસ પર છલકેલાં જળબિંદુનાં
એકેએક સ્ફટિકમાં બાંધું
પ્રણયનાં પ્રતિબિંબ
ને બિછાવું
બારીક વાદળીની ઝાઝમ
કે
ઝાંઝરિયાળ દ્રશ્યોનાં
ના રહે પડછાયા

મારી કવિતા અને તારું રૂપ - અખંડ
રહે સદા જીવંત

...ક્ષણમાં
વાદળી હવા જળબિન્દુમાં ધુમ્મસ થઇ જાય
અને આ ચિત્ર- આ કાગળ
સાવ કોરો જ રહી જાય
એ પહેલાં -
ચાલને
ફરી આજે સહિયારું સપનું જીવીએ

બાબુલ 
24/12/11

મંગળવાર, 13 નવેમ્બર, 2012

હેપી ન્યુ યર - બાબુલ


નવી તારીખ નવું પાનું છે
હેપી ન્યુ યર આવવાનું છે
ઘડીના લગોલગ છે બાહુ
ફરી નાચવાનું બહાનું છે
થયું આ વરસ પાયમાલ
અને ખાલી મનનું ખાનું છે
જવા દે ન પૂછ કેવું ગયું
કેવું હશે નવું જોવાનું છે
કરીએ આંખ બંધ બાબુલ
કહે છે કે સપનું મજાનું છે

બાબુલ 

શનિવાર, 10 નવેમ્બર, 2012

સંઘર્ષ - બાબુલ

ધર્મ છે એ જ સંદર્ભ જુદો છે
અર્થ છે એ જ સંઘર્ષ જુદો છે
છે એ જ સફર ને  મંઝિલ પણ
મર્મ છે એ જ સંકલ્પ જુદો છે

બાબુલ 

ગુરુવાર, 8 નવેમ્બર, 2012

હાય રે - બાબુલ

હાય હાય રે હાય રે
હાય  હાય રે  હાય રે

ઘરનાં ઘરમાં ભુંજાયા
વીરા ને માડીજાયા
હાથમાં બંધાવ્યા હથિયાર  રે
... ... ... હાય હાય રે હાય રે

હાકોટા દેકારા
આ કાપો વો મારા
તો યે  કાં  ચૂપ તારણહાર રે
... ... ... હાય હાય રે હાય રે

ચૂંથ્યા સિંદુર સાડલા
નજર સામે જ લાડલા
ઉદર  ચીરન્તા ચિત્કાર રે
... ... ... હાય હાય રે હાય રે

રોયા ખાલીખમ ખોળા
લીલાં  ભગવાં કે  ધોળા
આંખોમાં કાળા ઓથાર રે
... ... ... હાય હાય રે હાય રે

બાબુલ
29/9/12




રવિવાર, 28 ઑક્ટોબર, 2012

સહારો - બાબુલ

તારો ને  બસ તારો જ છું હું
દીધો જીવ- ક્યાં મારો ય છું હું
ધારો તો ધરા તો  ગગન કદી
નિરાધાર છતાં સહારો ય છું હું

બાબુલ 

રવિવાર, 22 જુલાઈ, 2012

તારો - બાબુલ


કોઇના  તેજે ચળકે  છે તારો 
ક્યાં એ કોઇ  દિ  છલકે  છે તારો 
ઓ  ચંદ્રની  લાગે ના બુરી  નજર 
રોજ એ ભયથી ભડકે છે તારો 
અંધાર રાત ને  દિવડો એકલો 
ખુદ એ ખયાલથી મલકે છે તારો 
છે દોસ્ત ઉંચા  તેજીલા  ભારે 
પરાયા તેજે ચમકે છે તારો 
છે એનો વારો હવે ખરવાનો 
એટલે જ બહુ ટમકે છે તારો 

બાબુલ 
દુબઈ 14 2 12

રવિવાર, 1 એપ્રિલ, 2012

દંભ - બાબુલ

ધજા છે ઉંચી ઉંચા સ્તંભ છે
મજાનાં કેવાં સમારંભ છે
સત્ય છે  બધે નરી છલના
રોમે રોમ છલકતો દંભ છે

બાબુલ 

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...