શુક્રવાર, 9 મે, 2014

જરા કહી દઉં - બાબુલ

સુરજને નમવાનું જરા કહી દઉં
રાતને ખમવાનું જરા કહી દઉં
પુરબહાર ઉઘડ્યા છે બાગમાં
રંગોને રમવાનું જરા કહી દઉં
તને વળગેલી સોડમ લહેરાઈ
પવનને ગમવાનું જરા કહી દઉં
અરસપર આવરીને શરમાય છે
અધરને જમવાનું જરા કહી દઉં
કેફ ખુદ કંઈ એવો ચઢ્યો સખી
મગજને ભમવાનું જરા કહી દઉં
જલન તો મસ્ત છે કિન્તુ બાબુલ
આગને શમવાનું જરા કહી દઉં


બાબુલ

મંગળવાર, 6 મે, 2014

પાઘ - બાબુલ

વળી  ફરસ પર ઉઘડ્યા ડાઘ
ફરી પરસપર જો લડ્યા વાઘ
કરી સમજ રક્તરંગી શું કામ 
પછી પળભરમાં ઉછળ્યા પાઘ

બાબુલ 

રવિવાર, 4 મે, 2014

મૂકું તો? બાબુલ

હેલ્લો
પ્રભુ ?
હા.. બાબુલ
ના... બા બુ લ
જી
અચ્છા
સમજાયું
શરૂઆતથી જ
અંત નક્કી છે
મૂકું  તો?


બાબુલ

રવિવાર, 20 એપ્રિલ, 2014

સ્વયં - બાબુલ

લોહીયાળ આંતરડીની
દર્દનાક કથા
નાભિની સહનશક્તિ બહાર છે
એને વેતરવાનું નિદાન
એ હૃદયની વ્યથા
અને ફેફસાં ય બિમાર  છે
એક નાનકડી જાન !
...પુખ્ત હોવાં  છતાં
ઉતરડે  જાય
ઉકરડે જાય
ખરડે જાય
મરડે જાય
સ્વયં
આંતરડી કરડે જાય

બાબુલ 

સોમવાર, 7 એપ્રિલ, 2014

યુધ્ધ -બાબુલ

એક પતંગિયાની
અધુરી બળેલી પાંખ પર
અણુ વિસ્ફોટની ફિંગર પ્રિન્ટ
અકબંધ છે

સવારે નિશાળે જવા નીકળેલ
પારેવડાંનાં  દફતરમાં
આકાશના ભવ્ય ઈતિહાસનાં પાનાં
ભસ્મ થઇ ચૂક્યાં છે

એક પીંછા વિહોણું પારેવું
માની  સોડમાં લપાવાની ઈચ્છા લઇ
મૃત્યુ પામે છે

યુધ્ધના વિજયની હેડલાઈનમાં
બળેલી કે મરેલી પાંખનો શોક નથી
અને વાંચતી આંખને એનો ક્ષોભ નથી

બાબુલ 

શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

શરમાળ પ્રિયાને - એન્ડ્રુ માર્વેલ

એન્ડ્રુ  માર્વેલ ની ' My coy mistress' એક ખુબ જાણીતી કાવ્યરચના છે... પોતાની પ્રેયસીને અનુબોધિત આ રચના નો ભાવાનુવાદ સર્વશ્રી ધીરુભાઈ ઠાકર સાહેબે લંડન ખાતે મારા કાવ્યસંગ્રહ 'અસર'ના વિમોચન સમારંભમાં રજુ કરી શ્રોતાઓને  મંત્રમુગ્ધ કરેલા. અહીં એ ભાવાનુવાદ મુરબ્બી ધીરુકાકાની પ્રેમાળ યાદમાં પ્રસ્તુત છે...

પ્રિયે આપણી પાસે પૂરતી લાંબી જિંદગી હોત
ને સમય હોત
તો તારી આ રિસાળ પ્રકૃતિને 
હું દોષ ન દેત
તો આપણે ક્યાં જવું 
અને પ્રણયનો સુદીર્ઘ કાળ કેવી રીતે વ્યતીત કરવો
તેનો નિરાંતે બેસીને વિચાર કરત
તું
ગંગાને કિનારે 
કિંમતી પથરા શોધતી હોત,
ને હું
હમ્બરને કિનારે રહ્યો રહ્યો 
અનુનય કરતો હોત.
દસ વરસ લગી
હું તારા પ્રણયની માંગણી કર્યા કરત
અને તું એની અનંતકાળ લગી ના પાડ્યા કરત
....
સો વર્ષ લગી
તારા નયનોની સ્તુતિ કરતો
હું તારા લલાટ પર મીટ માંડી રાખત
પ્રત્યેક પયોધારની પૂજામાં બસો વર્ષ ખર્ચી નાખત
બાકીના અંગોની પ્રશસ્તિ માટે ત્રણ હજાર વર્ષ  આપત 
એક એક અંગને નિદાન એક એક યુગ અર્પણ કરત
અને છેલ્લા યુગમાં
તારા હ્રદયના દ્વાર ખુલત
પ્રિયતમે, તું આ પ્રશસ્તિ પ્રાપ્ત છે
એનાથી સહેજ પણ ઓછો મારો તારે માટે પ્રેમ ન હોત
પ...ણ
મારી પાછળ 
વેગે ધસી આવતા સમયના રથનો ખડખડાટ
હું સાંભળું છું
આપણી સામે અનંતતાનું રણ
અફાટ વિસ્તરીને પડ્યું છે
પછી તારા સૌદર્યનું નામોનિશાન નહિ હોય
પછી તારી કબરના આરસમય ઘુમ્મટમાં
મારું ગીત નહિ સંભળાય 
પછી તો  કીટકો તારા ચિરરક્ષિત કૌમાર્યનો
ઉપભોગ કરશે
તારું અભિમાન ધૂળમાં મળી ગયું હશે
મારી કામનાની ભસ્મ ઉડતી હશે.
કબર સરસ એકાંત સ્થળ છે
પણ, હું ધારું છું, કોઇ કોઇને ત્યાં આશ્લેષ આપતું નથી
માટે હે સુંદરી
તારી કાયા પર
પ્રભાતના ઝાકળબિંદુ  જેવો
યૌવનનો રંગ બેઠો છે 
અને તારા હૃદયના પ્રત્યેક છિદ્રમાંથી 
જુવાનીનો જુસ્સો પ્રગટી રહ્યો છે 
તો...
વખત છે, ત્યારે, ચાલ,
આપણે આનંદ ખેલ ખેલી લઈએ 
અને સમયના મુખમાં
ધી..મેં... ...ધી..મેં 
કોળિયો બની જઈએ 
તેના કરતા
અત્યારે જ ક્રીડારત ક્રૌંચની માફક
આપણે એક સપાટે તેનો શિકાર બની જઈએ.
ચાલ, અલબેલી, આપણા તમામ સામર્થ્ય 
અને માધુર્યનો ગોળો વાળી દઇએ
પછી જિંદગીના લોહદ્વાર સાથે ઝીંક લઈને 
આનંદ ઝડપીએ 
એમ કરીને
જો કે ...
સમયની ગતિને થંભાવી નહિ શકીએ 
પણ એને દોડાવી જરૂર શકીશું.
---
To His Coy Mistress  Andrew Marvell (1621-1678) નો ભાવાનુવાદ  

મંગળવાર, 14 જાન્યુઆરી, 2014

સાલ મુબારક! -બાબુલ

છેલ્લી  થોડીક પળ
છો છોભીલી પણ
અચૂક અટકળ
અંત જ ગણ!

...ન તો  વસીયત
થઇ નહિ નસીહત
વરસ આથમ્યું
ઉગી નવી નિયત

...ટાવરનાં  ટકોરા
શ્યામ ગોરા
જાગી જાગીને લાવ્યાં
ઉત્સાહને ઓરા

દોસ્ત - ચાહક
સાલ મુબારક!


બાબુલ 






મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...