શુક્રવાર, 19 જાન્યુઆરી, 2018

જો તું મને વિસારે તો પાબ્લો નેરુદા (બાબુલ)

જો તું મને વિસારે તો 

મારે કહેવી છે તને
એક વાત

(જો કે) તું  જાણે જ છે કે આવું કેમ:

નિહાળું હું 
બિલોરી ચાંદને, મારી અટારીએ
મંદ પાનખરની લાલ ડાળખીને 
કે સ્પર્શું 
તાપણા સમીપની અપ્રગટ ભસ્મ,
યા વાઢેલાં લાકડાનાં કરચલીદાર દેહ:
આ બધ્ધું તાણી જાય મને તુજ પાસ
હયાત આ સઘળું
સુગંધ - ઉજાસ - ધાતુ
જાણે કે નાનકડી નાવડીઓ
સઢ ખોલી દોડતી
મારી રાહ જોતાં તારાં દ્વીપ ભણી

વારુ
કદાચ જો તું મને ચાહવાનું  બંધ કરે ધીમે ધીમે
હું પણ તને પ્રેમ કરવાનું છોડું  ધીમે ધીમે

યદા એકાએક 
વિસરી જાય તું  મને 
યા  ખોળે નહિ  મને
જાણે કે હું તને ક્યારનો વિસારી ચૂક્યો હોઊં

વિચારી જો લાંબું તું,  પાગલ
પવન- ઉડતી  ધજાઓ -   
મારી જિંદગીમાં પણ લહેરાય છે:
અને એમ છતાં હોય તારો નિર્ધાર કે
છોડી દે મને કાંઠે
એ જ  હૃદયના, કે છે જેમાં મૂળ મારાં

યાદ રહે
કે એ દિ
ઉઠાવીશ ભુજા મારી
અને એ જ ઘડીએ 
નીકળી પડશે મારાં મૂળ પણ 
અન્ય કોઈ ભૂમિ ભણી

કિન્તુ-
જો  દરરોજ
હરઘડી
તને લાગે કે
નિર્મિત છે તું ,
તારું કઠોર માધુર્ય
મારે કાજે
અને  રોજ મને શોધતી મઘમઘાટ પોયણીઓ
ખીલતી  હોય તારા હોઠ પર તો... 

આહ! મારી પ્રિયા, માત્ર મારી જ -
હજુ પડઘાયે જાય છે અગન મુજમાં
છે પ્રજ્વલિત સતત
નથી વિલુપ્ત કઇં, કઇંજ વિસર્યો ય નથી,
મારો પ્રેમ - જે પોષાય છે તારા પ્રેમ થકી
એ રહેશે તારી હથેળીમાં
હંમેશા પ્રિયે,
ક્ષણભર પણ છુટા પડ્યા વિના
મારી હથેળીથી...    

 બાબુલ 
    
પાબ્લો નેરુદા કૃત If You Forget Me નો  ભાવાનુવાદ 

     If You Forget Me (Pablo Neruda)

I want you to know
one thing.

You know how this is:
if I look
at the crystal moon, at the red branch
of the slow autumn at my window,
if I touch
near the fire
the impalpable ash
or the wrinkled body of the log,
everything carries me to you,
as if everything that exists,
aromas, light, metals,
were little boats
that sail
toward those isles of yours that wait for me.

Well, now,
if little by little you stop loving me
I shall stop loving you little by little.

If suddenly
you forget me
do not look for me,
for I shall already have forgotten you.

If you think it long and mad,
the wind of banners
that passes through my life,
and you decide
to leave me at the shore
of the heart where I have roots,
remember
that on that day,
at that hour,
I shall lift my arms
and my roots will set off
to seek another land.

But
if each day,
each hour,
you feel that you are destined for me
with implacable sweetness,
if each day a flower
climbs up to your lips to seek me,
ah my love, ah my own,
in me all that fire is repeated,
in me nothing is extinguished or forgotten,
my love feeds on your love, beloved,
and as long as you live it will be in your arms
without leaving mine.

  

શનિવાર, 6 જાન્યુઆરી, 2018

આદત - બાબુલ

ફરી જાગવાની ડરવાની આદત
નથી જીવતે જી મરવાની આદત
મને એમનાં  એ સપનાની સોબત 
નડી ગૈ ઊંઘમાં ફરવાની આદત
તડીપાર શ્વાસો, છલના છલોછલ    
ઉગારે ખુમારી, તરવાની આદત
હતાં ઝાડ લીલાં, મઝેદાર મોસમ  
પડી પાંદડાંને ખરવાની આદત
જવા દે હવે છોડ ચર્ચા એ બાબત
બને તો પાડ કૈં કરવાની આદત

બાબુલ 

રવિવાર, 3 ડિસેમ્બર, 2017

સાજણ- બાબુલ

પીવડાવું આસવ
આંખોથી, અધરથી
આવ સાજણ નિકટ 
પીડ આ જાણી  શકે તો 

તોડું દ્રઢ આશ્લેષથી
શ્વાસોનાં આવાસો
પાંસળીઓનાં વેગીલા પ્રવાસો
રોકી જો- રોકી શકે તો 

પયોધર પર ત્રોફેલાં 
રંગીન મુક્તકો 
પૂર્ણવિરામ વિનાનાં 
તું  જો વાંચી  શકે તો

રૂંવાડેદાર વળાંકે
ભૂલાયેલાં  પ્રાસો, લયો
છતાં રસીલી એક કવિતા
માણ,  જો માણી શકે તો 

બાબુલ 







  


રવિવાર, 8 જાન્યુઆરી, 2017

આરસી નયનનાં કામણ -બાબુલ

ના ખોવા દઈશ ક્યારેય 
તારાં આરસી નયનનાં કામણ 
યા 
રાતે મારા ગાલ પર ઉપસતાં  
તારાં શ્વાસનાં ગુલાબી આંજણ 

છું વ્યથિત ક્યાંક થઇ ના જાઉં 
એકાકી  કાંઠે 
કોઈ  ડાળ વિહોણું થડ હું 
દુઃખ તો અપાર એ
કે નથી કેસર, પુષ્પ યા પંક 
મારી ઠગારી આશાના કીડા કાજે  

તું  જો મારો અપ્રગટ ખજાનો છો  
છો જો તું મોક્ષ મારો, મારાં  દરદનું મારણ 
ને હોઉં હું  કેવળ શ્વાન અને માલિક તું 
તો-

ના ખોવા દઈશ મને કે જે કૈં  પામ્યો છું હું
અને શણગારવા  દે  તારી રૂપકડી નદીમાં સમાતાં ઝરણાંને 
મારાથી  વિખુટેલ પાનખરનાં સ્વર્ણિમ પર્ણોથી 
ના ખોવા દઈશ ક્યારેય 
તારાં આરસી નયનનાં કામણ 

બાબુલ 

          
Never let me lose the marvel
of your statue-like eyes, or the accent
the solitary rose of your breath
places on my cheek at night.
I am afraid of being, on this shore,
a branchless trunk, and what I most regret
is having no flower, pulp, or clay
for the worm of my despair.
If you are my hidden treasure,
if you are my cross, my dampened pain,
if I am a dog, and you alone my master,
never let me lose what I have gained,
and adorn the branches of your river
with leaves of my estranged Autumn.

Federico García Lorca

રવિવાર, 1 જાન્યુઆરી, 2017

ઓસડ - બાબુલ

પાંચમાં પ્રયાસ પછી લો
સૂક્કી નસમાં સોય પરોવાઈ તો 

...પીળા પાનની પીડા
લીલાં  લોહીનાં બુંદે બુંદમાં
લોપાઈ - વીરા!
હાડ ધ્રુજવતો ઘેરી ગુંજમાં
સુસવાટો રે ઠંડો તાવ:
શ્યામલ પરભાત, દિ, હર રાત
ફિક્કો સૂરજનો ભાવ 
રંગવિહોણી આપણ જાત

ન કોયલ,  બુલબુલ ઉદ્યાનમાં
બસ બોદી તમામ ડાળ
ઓસડ કોઈ ના જ્ઞાનમાં 
હરિ, બાળ તું  સંભાળ 

બાબુલ 
નવું વરસ 2017.

શુક્રવાર, 8 જુલાઈ, 2016

હશે - બાબુલ


એમના બોલવા પર ઘડાયો હશે
ચાંદલો આસમાને છવાયો હશે
પૂછ તો શીદ છે કાંપવું  ભીંતને
જીવતો કોઇ પથરો ચણાયો હશે
હારવાની નથી નોંધ ક્યાંએ, બધે 
જીતનો ઈતિહાસ લખાયો હશે
યાર પ્રેમ એકદમ થયો શું કરું
જાણું છું શાયદ તું રિસાયો હશે
રાહ જોયા કરી વ્હાલની રોજ મેં
જે વરસતો હતો મે' પરાયો હશે

બાબુલ 

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...