Wednesday, 31 December 2014

શબ્દ-બાબુલ

સ્પર્શ શબ્દ શ્વાસ શબ્દ, શબ્દ શબ્દ સ્વાદ
અર્શ શબ્દ આશ શબ્દ, આ જ શબ્દ સંવાદ
હર્ષ શબ્દ હાશ શબ્દ, શબ્દે શબ્દ દાદ
વર્ષ શબ્દ સુવાસ શબ્દ શબ્દથી વિવાદ
બાબુલ 

Friday, 19 December 2014

રોમાંચ - બાબુલ

રોમાંચ...
સાંજ ઢળી ફરી
ફરી ક્ષિતિજો સળવળી
નાગણ લટ લપસણા ભાલ
શ્વાસ શ્વાસ ઉષ્મા
સુરભિથી મહેંકતા ગાલ
રોમ રોમ તરવરતી તૃષ્ણા
અધીરાં  અધર
કંઈજ કારણ વગર
ચૂમી ત્વરિત ક્યાંક  
ક્યાંક સઘન ચુંબનનો  માદક વળાંક
સ્પર્શ- વિદ્યુતી, અફાટ આકાશ
વિસ્તરે તત્પર બાહુપાશ
ત્વચા ત્વચા,છાતી છાતી
હથેળીઓ અમળાતી
રાતી રાતી
કીકીઓ ઉછળતી મદમાતી
છલોછલ નાભિ: મીઠી વેદના
અદભૂત ચેતના
Romance

બાબુલ 

Saturday, 22 November 2014

તેજલિસોટા -બાબુલ

હું અગણ્ય તારાઓને
ધીમેથી
મારી બાથમાં ભરી લઉં પછી
તું  આવી જજે.
ચંદ્રને આમ ટીંગાડીશું
ધ્રુવને તેમ
સપ્તર્ષિ અહીં
શુક્ર ત્યાં
બુધ પેલા ખૂણામાં
બસ
ઝાકઝમાળ થઇ જાય બધું
પછી તું તારે ચાલી જજે.
હું
નિત્ય તારાં સ્મરણોમાં
નાહતો રહીશ
તરબોળ તારા ઉજાસમાં
જોયા કરીશ
આ ટીંગાડેલા તારાઓને।
તને ચાહ્યા કરીશ।...
અને એમ જ વિતાવી દઈશ યુગો
વિરહમાં
તારી પ્રશસ્તિ કર્યા કરીશ
છેવટે
ખરી પડશે તારાઓ
એક એક
એમ અસંખ્ય તેજલિસોટા પર.
હું
ધીમેથી સરકી જઈશ
ફરી પાછો
તારાં  સ્મરણો સમીપ।

બાબુલ 
કાવ્યસંગ્રહ અસર માંથી
(ગુર્જર  ISBN 81-89166-31-X )

Saturday, 15 November 2014

વિષાદ - બાબુલ

છે વિષાદ
અહીં પણ ત્યાં પણ

ત્યાં
શુષ્ક ધરાના શોષ સમ શોક
ને ઘેરાયેલ ગમની
મુશળધાર હેલી
ઘડી... બે ઘડી

અહીં
પાનખરના પ્રત્યેક પર્ણ પતનની પીડ
ને ઢગમાં વરસેલ ગમ
બરફ થઈ થીજે
લાંબી અંધાર રાતમાં
સતત... અવિરત

છે વિષાદ
અહીં પણ ત્યાં પણ

બાબુલ
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી 

Sunday, 12 October 2014

તડાકે - બાબુલ

છે આ  છાતી સ્ટીલની
થાય તો દઈ દે ભડાકે 
માપ ના સીમા દિલની 
અમે તો ચડ્યા ભૈ તડાકે

બાબુલ 

Friday, 12 September 2014

હોડકાં - બાબુલ

અધીર હૈયાં ધકધક નાડ
બેઠાં લગોલગ બે યુવાન ઝાડ
નદી પર લંબાવીને ડાળ
આછા વરસાદના ઉન્માદમાં
સ્હેજ ઝૂક્યા, ચૂમવા પ્રેમાળ 
પડ્યાં - તણાયાં   પ્રવાહમાં
...

વનરાઈથી જાગ્યો વલોપાત
અસહ્ય : વાદળ
ફાટ ફાટ
ફાટ્યાં  - પ્રવેશ્યાં અનાયાસ
ધસમસતા ઉપરવાસ
ઉલ્લંઘી સીમ તમામ
વસ્યું'તું હ્યાં સ્વપ્નીલ ગામ
...

કિનારા કેરી કોશિશ
તરવાની - નિષ્ફળ
ઉમટ્યાં
પ્રાણવાયુ પર પાણી
ફૂટ્યાં
ફૂલેલાં પરપોટાંનાં  શ્વાસ
... સપાટી પર
હોડકાંભર સમાચાર:
ચોતરફ ઊભરાતું  આકાશ  

બાબુલ 

Thursday, 21 August 2014

ઉજાસની પેલે પાર - બાબુલ

ખુલ્લી અગાસીમાં
શીતળ ચટાઈ પર
પથરાઈને
શાંત આકાશના તારાઓને
આંખના પરદે ટમકાવ્યા  હતાં
એ વિસર્યાનું સ્મરણ
સહસા જાગ્યું
જયારે
અમાસી નભે
નયને ચિતર્યા તારા
એ જ પરિચિત પરિમાણમાં
... ... રોજ અંજાતી કીકીઓને
આદત કરવી પડશે જોવાની
ઉજાસની પેલે પાર.

ઉજાસની પેલે પાર

બાબુલ
Livingstone, Zambia

Tuesday, 12 August 2014

તંદ્રા- બાબુલ

સંધ્યાએ જતાં  આપેલ વચન
અને સઘન આલિંગન
ગુલાબી ક્ષિતિજ પર
આરઝુ સમ ઝૂલે
નિશાનો પાલવ હળવેકથી
અત્યંત નજીક ખૂલે
ચાંદની બાહુપાશમાં આવી એ પહેલાં તો
તારા ઝળ ઝળ- જલન  પળ પળ
પૂનમ - શીતલ - શ્વેતા - મૃદુલ સ્નેહા
રાતભર નયનમાં એ જ સ્મરણ
ઉષાનાં ચુંબન પલક પર થાતા
તંદ્રા તૂટતાં જાણ્યું
સપનામાં કાવ્ય મંડાણું !

બાબુલ
Cape Town

Sunday, 3 August 2014

તર્પણ -બાબુલ

તર્પણ 

કોઈ ફરિયાદ નથી મારા ઈસાને
એને કોઈ દર્દ નથી
કોઈક તો કહી આવો દિશાને
અહીં કોઈ મર્દ નથી

એને રોજ હું કહેતો
આવી જ પવિત્ર ભૂમિની વાત
જ્યાં ખુલ્લો પવન વહેતો
ઇસો નાદાન પૂછતો: એની શું વિસાત?

અંગ્રેજી લોકશાહી, લંડન ચગડોળ
ન્યુયોર્ક: સ્વતંત્રતા દેવીનું ઘર
ટાવર પેરીસ! એનો રંગીન ઢોળ
દેવાં સપનાં, માંડતો હું વાતોની સફર

એને વાર્તા કહેવાની હવે ક્યાં જરૂર છે?
આમેય કેટલાંય દિ થી દીવા પાણી બંધ છે
છતાં - શ્રદ્ધા નયનનું નૂર  છે
બાકી ચોતરફ અજબ ગંધ છે

ધડાકા ભયાનક ગજબનાક ગોળા
ધરાશાયી ઘરો રક્તરંગી ધરા
મૂંગા થઇ સૂતાં એનાં  ભેરુડાં  ભોળા
ઇસાનો ય શ્વાસ ગૂંગળાયો હશે જરા

માનો વા, બાપુનો દમ
મારી પરી, એની ચૂમી -  ફરિયાદ  
પ્રેમ કરૂણા જિંદગી  બસ ખતમ
કોનું યુદ્ધ, કોણ બરબાદ

છે અંધકાર ચોપાસ ને શ્વાસની અછત
ઉડવા મળ્યું નહિ  આકાશ ભૂરું
નહિતર દરેક તોપ પર જઈને  લખત
ઇસાનાં આયખનું કાવ્ય અધૂરું 

બાબુલ 


 

Tuesday, 1 July 2014

પરાયો - બાબુલ


અવાજ આ પરાયો  હોય છે
ડૂમો ગળે ભરાયો હોય છે
જુએ ન કોઈ વાટ છતાં
રસ્તો કાં અટવાયો હોય છે
જયારે સૂરજ ચળકે માથે
નાનકડો  પડછાયો હોય છે
છે નસીબ ફૂટેલું કે પથ્થર
આયને અથડાયો હોય છે 
ઉડી જાય છે કાગડા ફટાક
ને હંસલો પકડાયો હોય છે
છે બેસુમાર નામ ‘બાબુલ’
એ દિલમાં સમાયો હોય છે
બાબુલ
૧૯  /૧૦ /૨૦૧૦  શિકાગો 

Friday, 9 May 2014

જરા કહી દઉં - બાબુલ

સુરજને નમવાનું જરા કહી દઉં
રાતને ખમવાનું જરા કહી દઉં
પુરબહાર ઉઘડ્યા છે બાગમાં
રંગોને રમવાનું જરા કહી દઉં
તને વળગેલી સોડમ લહેરાઈ
પવનને ગમવાનું જરા કહી દઉં
અરસપર આવરીને શરમાય છે
અધરને જમવાનું જરા કહી દઉં
કેફ ખુદ કંઈ એવો ચઢ્યો સખી
મગજને ભમવાનું જરા કહી દઉં
જલન તો મસ્ત છે કિન્તુ બાબુલ
આગને શમવાનું જરા કહી દઉં


બાબુલ

Tuesday, 6 May 2014

પાઘ - બાબુલ

વળી  ફરસ પર ઉઘડ્યા ડાઘ
ફરી પરસપર જો લડ્યા વાઘ
કરી સમજ રક્તરંગી શું કામ 
પછી પળભરમાં ઉછળ્યા પાઘ

બાબુલ 

Sunday, 4 May 2014

મૂકું તો? બાબુલ

હેલ્લો
પ્રભુ ?
હા.. બાબુલ
ના... બા બુ લ
જી
અચ્છા
સમજાયું
શરૂઆતથી જ
અંત નક્કી છે
મૂકું  તો?


બાબુલ

Sunday, 20 April 2014

સ્વયં - બાબુલ

લોહીયાળ આંતરડીની
દર્દનાક કથા
નાભિની સહનશક્તિ બહાર છે
એને વેતરવાનું નિદાન
એ હૃદયની વ્યથા
અને ફેફસાં ય બિમાર  છે
એક નાનકડી જાન !
...પુખ્ત હોવાં  છતાં
ઉતરડે  જાય
ઉકરડે જાય
ખરડે જાય
મરડે જાય
સ્વયં
આંતરડી કરડે જાય

બાબુલ 

Monday, 7 April 2014

યુધ્ધ -બાબુલ

એક પતંગિયાની
અધુરી બળેલી પાંખ પર
અણુ વિસ્ફોટની ફિંગર પ્રિન્ટ
અકબંધ છે

સવારે નિશાળે જવા નીકળેલ
પારેવડાંનાં  દફતરમાં
આકાશના ભવ્ય ઈતિહાસનાં પાનાં
ભસ્મ થઇ ચૂક્યાં છે

એક પીંછા વિહોણું પારેવું
માની  સોડમાં લપાવાની ઈચ્છા લઇ
મૃત્યુ પામે છે

યુધ્ધના વિજયની હેડલાઈનમાં
બળેલી કે મરેલી પાંખનો શોક નથી
અને વાંચતી આંખને એનો ક્ષોભ નથી

બાબુલ 

Friday, 7 February 2014

શરમાળ પ્રિયાને - એન્ડ્રુ માર્વેલ

એન્ડ્રુ  માર્વેલ ની ' My coy mistress' એક ખુબ જાણીતી કાવ્યરચના છે... પોતાની પ્રેયસીને અનુબોધિત આ રચના નો ભાવાનુવાદ સર્વશ્રી ધીરુભાઈ ઠાકર સાહેબે લંડન ખાતે મારા કાવ્યસંગ્રહ 'અસર'ના વિમોચન સમારંભમાં રજુ કરી શ્રોતાઓને  મંત્રમુગ્ધ કરેલા. અહીં એ ભાવાનુવાદ મુરબ્બી ધીરુકાકાની પ્રેમાળ યાદમાં પ્રસ્તુત છે...

પ્રિયે આપણી પાસે પૂરતી લાંબી જિંદગી હોત
ને સમય હોત
તો તારી આ રિસાળ પ્રકૃતિને 
હું દોષ ન દેત
તો આપણે ક્યાં જવું 
અને પ્રણયનો સુદીર્ઘ કાળ કેવી રીતે વ્યતીત કરવો
તેનો નિરાંતે બેસીને વિચાર કરત
તું
ગંગાને કિનારે 
કિંમતી પથરા શોધતી હોત,
ને હું
હમ્બરને કિનારે રહ્યો રહ્યો 
અનુનય કરતો હોત.
દસ વરસ લગી
હું તારા પ્રણયની માંગણી કર્યા કરત
અને તું એની અનંતકાળ લગી ના પાડ્યા કરત
....
સો વર્ષ લગી
તારા નયનોની સ્તુતિ કરતો
હું તારા લલાટ પર મીટ માંડી રાખત
પ્રત્યેક પયોધારની પૂજામાં બસો વર્ષ ખર્ચી નાખત
બાકીના અંગોની પ્રશસ્તિ માટે ત્રણ હજાર વર્ષ  આપત 
એક એક અંગને નિદાન એક એક યુગ અર્પણ કરત
અને છેલ્લા યુગમાં
તારા હ્રદયના દ્વાર ખુલત
પ્રિયતમે, તું આ પ્રશસ્તિ પ્રાપ્ત છે
એનાથી સહેજ પણ ઓછો મારો તારે માટે પ્રેમ ન હોત
પ...ણ
મારી પાછળ 
વેગે ધસી આવતા સમયના રથનો ખડખડાટ
હું સાંભળું છું
આપણી સામે અનંતતાનું રણ
અફાટ વિસ્તરીને પડ્યું છે
પછી તારા સૌદર્યનું નામોનિશાન નહિ હોય
પછી તારી કબરના આરસમય ઘુમ્મટમાં
મારું ગીત નહિ સંભળાય 
પછી તો  કીટકો તારા ચિરરક્ષિત કૌમાર્યનો
ઉપભોગ કરશે
તારું અભિમાન ધૂળમાં મળી ગયું હશે
મારી કામનાની ભસ્મ ઉડતી હશે.
કબર સરસ એકાંત સ્થળ છે
પણ, હું ધારું છું, કોઇ કોઇને ત્યાં આશ્લેષ આપતું નથી
માટે હે સુંદરી
તારી કાયા પર
પ્રભાતના ઝાકળબિંદુ  જેવો
યૌવનનો રંગ બેઠો છે 
અને તારા હૃદયના પ્રત્યેક છિદ્રમાંથી 
જુવાનીનો જુસ્સો પ્રગટી રહ્યો છે 
તો...
વખત છે, ત્યારે, ચાલ,
આપણે આનંદ ખેલ ખેલી લઈએ 
અને સમયના મુખમાં
ધી..મેં... ...ધી..મેં 
કોળિયો બની જઈએ 
તેના કરતા
અત્યારે જ ક્રીડારત ક્રૌંચની માફક
આપણે એક સપાટે તેનો શિકાર બની જઈએ.
ચાલ, અલબેલી, આપણા તમામ સામર્થ્ય 
અને માધુર્યનો ગોળો વાળી દઇએ
પછી જિંદગીના લોહદ્વાર સાથે ઝીંક લઈને 
આનંદ ઝડપીએ 
એમ કરીને
જો કે ...
સમયની ગતિને થંભાવી નહિ શકીએ 
પણ એને દોડાવી જરૂર શકીશું.
---
To His Coy Mistress  Andrew Marvell (1621-1678) નો ભાવાનુવાદ  

Tuesday, 14 January 2014

સાલ મુબારક! -બાબુલ

છેલ્લી  થોડીક પળ
છો છોભીલી પણ
અચૂક અટકળ
અંત જ ગણ!

...ન તો  વસીયત
થઇ નહિ નસીહત
વરસ આથમ્યું
ઉગી નવી નિયત

...ટાવરનાં  ટકોરા
શ્યામ ગોરા
જાગી જાગીને લાવ્યાં
ઉત્સાહને ઓરા

દોસ્ત - ચાહક
સાલ મુબારક!


બાબુલ 


Saturday, 4 January 2014

સાહિત્યને ઘર, ગામ, વતન કે દેશ નથી હોતા....

એકદા દિલિપકુમારે લતા મંગેશકરના આલ્બર્ટ હોલ ખાતેના કાર્યક્રમમાં કહેલ એમ, ફૂલની ફોરમના કોઇ સિમાડા નથી હોતા. એમ જ વ્યોમે વિહરતી વાદળીઓના પણ કોઇ ઘર, ગામ, વતન કે દેશ નથી હોતા. હા, કોઇ સાગરના ઉરે પથરાયેલા સર્વવ્યાપી સૂર્યના કિરણો થકી જન્મીને એ તો ગગનરંગે રંગાઇ તરવરે છે, ક્યાંક અમસ્તી જ તો ક્યાંક ભીંજવી દેતી ખરબચડી ધરાને. આપણામાં ઘણાંને એ ક્યારેક એ ગમે છે અને ક્યારેક નથી ગમતી. સાહિત્ય પણ શતરંગી વાદળી જેવું જ તો છે. એને વાદળિયા રંગ જેમ વર્ણવી શકાય જરુર કિંતુ વાડાઓ- સરહદોમાં કેમ બંધાય? અને એટલે ડાયસ્પોરિક સાહિત્ય અને તળ ગુજરાતી સાહિત્ય વચ્ચે આલેખાયા ભેદ આકરા લાગે છે. કોઈ પણ સાહિત્ય રચના કલ્પના, પાત્ર પરિવેશ, કથાવસ્તુ, કથા શૈલી, સ્થાનક અને કથાકાર પર નિર્ભર હોય છે, નહીં કે સાહિત્યકાર ના ઉદ્ભવસ્થાન, નિવાસસ્થાન, પશ્ચાદભૂ, આવક, વય, કે મોભો. એ ચોક્કસ કે દરેક સાહિત્યકૃતિ  પર આ સઘળી પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે. પણ સાહિત્ય એથી જ તો સબળ – સમૃદ્ધ  બને છે.

મારા નમ્ર મતે સાહિત્યમૂલન ગુણવત્તાના ધોરણે જળવાય એ અગત્યનું છે, અલ્બત્ત માતબર સાહિત્યને પોષવા ખાતર, ઉત્તમ ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે મુખ્ય ધારાથી ભિન્ન નવોદિત, પ્રતિભાશાળી સાહિત્યપ્રવાહોને પ્રોત્સાહિત કરવા સારુ, એમને જુદા તારવવામાં આવે તો એ અજુગતું નથી જ. એ શક્ય છે કે અગ્રીમ સાહિત્યસર્જકો અને વિવેચકોને અપેક્ષા હોય કે સાહિત્યકારોનો ચોક્કસ વર્ગ અમુક ચોક્કસ પ્રકારની રચનાઓ પરત્વે વધુ રસ દાખવે, પરંતુ કદાચ એ મંતવ્ય ગુણવત્તા કરતાં વધુ બિબાંઢાળ પ્રવૃત્તિને પ્રોત્સહિત કરશે. ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યના ( જો એ સંદર્ભને તટસ્થતાથી વાપરી શકાય!) સંદર્ભમાં એ જરૂરી છે કે એનો વ્યાપ વૈશ્વીક (global)બને, ન તો એ વસાહતી વર્ણનો પર નિર્ભર રહે કે ન તો એ સમુળગા તળગુજરાતી કલ્પનોમાં વિહરે. જેમ તળગુજરાતમાં છે એમ જ ગુજરાત બહાર પણ પ્રતિભાશાળી સર્જકો વસે છે. આવા છટાદાર સાહિત્યકારો અને સાહિત્યરસિકો થકી જ તો ગુજરાતી સાહિત્ય ઉજાગર છે. જેમ મુંબઈમાં ગુજરાતી સાહિત્ય ગુણવત્તાને ધોરણે મુખ્ય ધારામાં છે એમ વિશ્વભરમાં રચાતું સાહિત્ય મુખ્ય ધારામાં સંકલિત હોવું જરુરી છે. અહીં વિલાયતના સંદર્ભમાં આપણને જરુર છે ડાયસ્પોરિક વિવેચનની, ચિંતનની કે જેથી કરીને એની આગવી શૈલી, પ્રથા, પીડા અને (ઉત)ક્રાંતિને જરૂરી મૂલ્યાંકન પ્રાપ્ત થાય અને એને યોગ્ય સ્થાન પ્રદાન થાય.

સૌ સાહિત્યને – સાહિત્યકારોને એક મંચ પ્રાપ્ત હો એ માટે સૌએ પ્રયત્નશીલ થવું રહ્યું. એ અત્યંત જરુરી છે કારણ કે ભિન્નતા ગુણીયલ છે, એમાં નાવિન્ય છે, આગવો અંદાજ છે; જે સાંપ્રત સાહિત્યને ખૂબ સબળ બનાવશે.

'ઓપિનિયન'  માં પ્રસિદ્ધ થયેલ પત્ર માંથી