Saturday, 4 January 2014

સાહિત્યને ઘર, ગામ, વતન કે દેશ નથી હોતા....

એકદા દિલિપકુમારે લતા મંગેશકરના આલ્બર્ટ હોલ ખાતેના કાર્યક્રમમાં કહેલ એમ, ફૂલની ફોરમના કોઇ સિમાડા નથી હોતા. એમ જ વ્યોમે વિહરતી વાદળીઓના પણ કોઇ ઘર, ગામ, વતન કે દેશ નથી હોતા. હા, કોઇ સાગરના ઉરે પથરાયેલા સર્વવ્યાપી સૂર્યના કિરણો થકી જન્મીને એ તો ગગનરંગે રંગાઇ તરવરે છે, ક્યાંક અમસ્તી જ તો ક્યાંક ભીંજવી દેતી ખરબચડી ધરાને. આપણામાં ઘણાંને એ ક્યારેક એ ગમે છે અને ક્યારેક નથી ગમતી. સાહિત્ય પણ શતરંગી વાદળી જેવું જ તો છે. એને વાદળિયા રંગ જેમ વર્ણવી શકાય જરુર કિંતુ વાડાઓ- સરહદોમાં કેમ બંધાય? અને એટલે ડાયસ્પોરિક સાહિત્ય અને તળ ગુજરાતી સાહિત્ય વચ્ચે આલેખાયા ભેદ આકરા લાગે છે. કોઈ પણ સાહિત્ય રચના કલ્પના, પાત્ર પરિવેશ, કથાવસ્તુ, કથા શૈલી, સ્થાનક અને કથાકાર પર નિર્ભર હોય છે, નહીં કે સાહિત્યકાર ના ઉદ્ભવસ્થાન, નિવાસસ્થાન, પશ્ચાદભૂ, આવક, વય, કે મોભો. એ ચોક્કસ કે દરેક સાહિત્યકૃતિ  પર આ સઘળી પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે. પણ સાહિત્ય એથી જ તો સબળ – સમૃદ્ધ  બને છે.

મારા નમ્ર મતે સાહિત્યમૂલન ગુણવત્તાના ધોરણે જળવાય એ અગત્યનું છે, અલ્બત્ત માતબર સાહિત્યને પોષવા ખાતર, ઉત્તમ ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે મુખ્ય ધારાથી ભિન્ન નવોદિત, પ્રતિભાશાળી સાહિત્યપ્રવાહોને પ્રોત્સાહિત કરવા સારુ, એમને જુદા તારવવામાં આવે તો એ અજુગતું નથી જ. એ શક્ય છે કે અગ્રીમ સાહિત્યસર્જકો અને વિવેચકોને અપેક્ષા હોય કે સાહિત્યકારોનો ચોક્કસ વર્ગ અમુક ચોક્કસ પ્રકારની રચનાઓ પરત્વે વધુ રસ દાખવે, પરંતુ કદાચ એ મંતવ્ય ગુણવત્તા કરતાં વધુ બિબાંઢાળ પ્રવૃત્તિને પ્રોત્સહિત કરશે. ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યના ( જો એ સંદર્ભને તટસ્થતાથી વાપરી શકાય!) સંદર્ભમાં એ જરૂરી છે કે એનો વ્યાપ વૈશ્વીક (global)બને, ન તો એ વસાહતી વર્ણનો પર નિર્ભર રહે કે ન તો એ સમુળગા તળગુજરાતી કલ્પનોમાં વિહરે. જેમ તળગુજરાતમાં છે એમ જ ગુજરાત બહાર પણ પ્રતિભાશાળી સર્જકો વસે છે. આવા છટાદાર સાહિત્યકારો અને સાહિત્યરસિકો થકી જ તો ગુજરાતી સાહિત્ય ઉજાગર છે. જેમ મુંબઈમાં ગુજરાતી સાહિત્ય ગુણવત્તાને ધોરણે મુખ્ય ધારામાં છે એમ વિશ્વભરમાં રચાતું સાહિત્ય મુખ્ય ધારામાં સંકલિત હોવું જરુરી છે. અહીં વિલાયતના સંદર્ભમાં આપણને જરુર છે ડાયસ્પોરિક વિવેચનની, ચિંતનની કે જેથી કરીને એની આગવી શૈલી, પ્રથા, પીડા અને (ઉત)ક્રાંતિને જરૂરી મૂલ્યાંકન પ્રાપ્ત થાય અને એને યોગ્ય સ્થાન પ્રદાન થાય.

સૌ સાહિત્યને – સાહિત્યકારોને એક મંચ પ્રાપ્ત હો એ માટે સૌએ પ્રયત્નશીલ થવું રહ્યું. એ અત્યંત જરુરી છે કારણ કે ભિન્નતા ગુણીયલ છે, એમાં નાવિન્ય છે, આગવો અંદાજ છે; જે સાંપ્રત સાહિત્યને ખૂબ સબળ બનાવશે.

'ઓપિનિયન'  માં પ્રસિદ્ધ થયેલ પત્ર માંથી

Sunday, 29 December 2013

તમન્ના - બાબુલ

ધોળુ મળે  કાળુ મળે 
મુખ તો રૂપાળુ મળે 
શોધું સ્મિતને હું અને  
કારણ કજિયાળુ મળે 
મેઘાને તો વરસવું  
નદી નહિ તો નાળુ મળે 
તરવાની એક તમન્ના 
ડૂબતાને ડાળુ મળે 
મળ્યું આખરે  જો ઘર 
ત્યાં ય બંધ તાળુ મળે 
તારો પ્રેમ હો વસંતી 
ને વ્હાલ શિયાળુ મળે  

બાબુલ