Sunday, 23 December 2012

પ્રેમ -બાબુલ

પ્રેમ
એટલે આપોઆપ ચાલતા શ્વાસ
સ્વયં ધબકતું હૃદય જેમ
યા ઉદધિ - જેનો નીકળે નહિ ક્યાસ

સખી
વિસ્તરતા  આભની કથા  
નૈને કવિતામાં  લખી
આ જ મીઠી વ્યથા

સ્નેહ
તાજો સ્વાદ ભીની ધરાનો
ધોધમાર ક્યાંક, રોજ ઝરમરિયો મેહ
કલરવ મધુર લીલી કંદરાનો

હું જ
કલ્પન, સ્વપ્ન ને સાંખતો
ને રક્તના  કણ કણમાં  તું જ
જીવ, તને ખુદમાં રાખતો

પ્રેમ  
સખી
સ્નેહ
તું  જ  

બાબુલ 
Saturday, 15 December 2012

હાઇકુ - બાબુલ

રસ્તો ખોવાયો 
આવ્યો સંદેશ આવો
ઘર આંગણે
---

પાડીને રૂપ 
બહુ  જ હરખાયો
કાળો બરફ
---

બરફ વિના
થર થર ધ્રૂજ્યા
પીળાં પાંદડાં 

બાબુલ 

Friday, 23 November 2012

માણસ - 'બાબુલ’


ન મારા માણસ ન તારા માણસ
લઇ આવ બે ચાર સારા માણસ
થઈ જાશે ટોળું બસ ઘડી ભરમાં
ન કર તું ભેગાં વધારા માણસ
બાબુલ 

Friday, 16 November 2012

મારું ચાલે તો - બાબુલ

જો મારું ચાલે તો
પ્રત્યેક પળ  પર લખી દઉં
સ્મિતભરી  કવિતા
લહેરાતી હવામાં વહેતાં  મુકું
અધરનાં  આલિંગનો

બાગનાં  ઘાસ પર છલકેલાં જળબિંદુનાં
એકેએક સ્ફટિકમાં બાંધું
પ્રણયનાં પ્રતિબિંબ
ને બિછાવું
બારીક વાદળીની ઝાઝમ
કે
ઝાંઝરિયાળ દ્રશ્યોનાં
ના રહે પડછાયા

મારી કવિતા અને તારું રૂપ - અખંડ
રહે સદા જીવંત

...ક્ષણમાં
વાદળી હવા જળબિન્દુમાં ધુમ્મસ થઇ જાય
અને આ ચિત્ર- આ કાગળ
સાવ કોરો જ રહી જાય
એ પહેલાં -
ચાલને
ફરી આજે સહિયારું સપનું જીવીએ

બાબુલ 
24/12/11

Tuesday, 13 November 2012

હેપી ન્યુ યર - બાબુલ


નવી તારીખ નવું પાનું છે
હેપી ન્યુ યર આવવાનું છે
ઘડીના લગોલગ છે બાહુ
ફરી નાચવાનું બહાનું છે
થયું આ વરસ પાયમાલ
અને ખાલી મનનું ખાનું છે
જવા દે ન પૂછ કેવું ગયું
કેવું હશે નવું જોવાનું છે
કરીએ આંખ બંધ બાબુલ
કહે છે કે સપનું મજાનું છે

બાબુલ 

Saturday, 10 November 2012

સંઘર્ષ - બાબુલ

ધર્મ છે એ જ સંદર્ભ જુદો છે
અર્થ છે એ જ સંઘર્ષ જુદો છે
છે એ જ સફર ને  મંઝિલ પણ
મર્મ છે એ જ સંકલ્પ જુદો છે

બાબુલ 

Thursday, 8 November 2012

હાય રે - બાબુલ

હાય હાય રે હાય રે
હાય  હાય રે  હાય રે

ઘરનાં ઘરમાં ભુંજાયા
વીરા ને માડીજાયા
હાથમાં બંધાવ્યા હથિયાર  રે
... ... ... હાય હાય રે હાય રે

હાકોટા દેકારા
આ કાપો વો મારા
તો યે  કાં  ચૂપ તારણહાર રે
... ... ... હાય હાય રે હાય રે

ચૂંથ્યા સિંદુર સાડલા
નજર સામે જ લાડલા
ઉદર  ચીરન્તા ચિત્કાર રે
... ... ... હાય હાય રે હાય રે

રોયા ખાલીખમ ખોળા
લીલાં  ભગવાં કે  ધોળા
આંખોમાં કાળા ઓથાર રે
... ... ... હાય હાય રે હાય રે

બાબુલ
29/9/12
Sunday, 28 October 2012

સહારો - બાબુલ

તારો ને  બસ તારો જ છું હું
દીધો જીવ- ક્યાં મારો ય છું હું
ધારો તો ધરા તો  ગગન કદી
નિરાધાર છતાં સહારો ય છું હું

બાબુલ 

Sunday, 22 July 2012

તારો - બાબુલ


કોઇના  તેજે ચળકે  છે તારો 
ક્યાં એ કોઇ  દિ  છલકે  છે તારો 
ઓ  ચંદ્રની  લાગે ના બુરી  નજર 
રોજ એ ભયથી ભડકે છે તારો 
અંધાર રાત ને  દિવડો એકલો 
ખુદ એ ખયાલથી મલકે છે તારો 
છે દોસ્ત ઉંચા  તેજીલા  ભારે 
પરાયા તેજે ચમકે છે તારો 
છે એનો વારો હવે ખરવાનો 
એટલે જ બહુ ટમકે છે તારો 

બાબુલ 
દુબઈ 14 2 12

Sunday, 1 April 2012

દંભ - બાબુલ

ધજા છે ઉંચી ઉંચા સ્તંભ છે
મજાનાં કેવાં સમારંભ છે
સત્ય છે  બધે નરી છલના
રોમે રોમ છલકતો દંભ છે

બાબુલ 

Saturday, 31 March 2012

પોરની વસંત - બાબુલ


ખૂબ ગમી'તી મને પોરની વસંત
કેમકે તમે હતા અહીં
ને કોયલ પણ બાગ મહીં
જેના મધુર ગાન હતા પસંદ તમને
કેટલા વ્હાલા હતા તમે અમને
... છે વાત જુદી, જુદી ઓણની વસંત
ન સ્મરીએ કૈં- તમને બસ, છતાં
છેવટ એ ય વાસંતી ગીત હતાં
એથી
હું ગમાડીશ એને એમ
ઓલી કોયલની જેમ
બાબુલ

Sunday, 25 March 2012

રસિયા- બાબુલ

આજથી યુ.કે. માં Spring Timeની શરૂઆત થઈ, તો નવા સમયે નવી રચના!

રસિયા કાં રે  રિસાણા હો  જી
હેતમાંથી કાં  ખિજાણા હો  જી

હિંડોળે ઝૂલતી એ ઠેસ નાની 
ઉરે ઉછળતી  ઉર્મિઓ છાની 
દાંતે અધરું ભિસાણા હો  જી
રસિયા કાં રે  રિસાણા હો જી

 નજરુંને ઢાળું ભાળું  તો લીલીછમ
મહેંકું હું તમથી બસ તમારા સમ
વાસંતી તડકે ભિંજાણા હો જી
રસિયા કાં રે  રિસાણા હો જી

બાબુલ

Tuesday, 13 March 2012

જંગ - બાબુલ

જંગ 

છેદાયેલા દેહ
અને વેરવિખેર અવયવોને
એકઠાં કરી 
સાંધતા સાંધતા
બુઠ્ઠી થઇ ગઈ છે 
સૌ સોયો.


ક્યાંક તૂટેલા ઘરની
અડધી બળેલ છત પર ઉભી   
કોઈ યુગો જૂની
પ્રતીક્ષા  
રોજબરોજના વિસ્ફોટોમાં
ડહોળાઈ ગયેલી 
પૂર્વીય હવામાંથી
પોતીકો લાડકવાયો પ્રગટે
...પરત આવે
એ આશે તપ્યા કરે છે
સંવેદનાની જેમ .


નાયલોનના ટાંકા અને
સૂતરના પાટામાં બંધ
લોહીયાળ યાતનાના અંતિમ ઉચ્છવાસથી
ઘટ્ટ થયેલી હવામાં
ગૂંગળાઈ મરતી પ્રતીક્ષા
કણ કણ થઇ વિખરાઈ ચૂકી છે

... વેરવિખેર અવયવોને
હજુ ક્યાં સુધી એકઠાં કરવાં પડશે?

બાબુલ 

Saturday, 4 February 2012

વ્હાલમાં - બાબુલ


છે કાઈ જુદું હવે ચાલમાં
ખોવાઈ જાતે આજ કાલમાં
કોઈ તો બતાવે કે કેમ રે
લાગે મને ઓછું વ્હાલમાં

બાબુલ 

Friday, 27 January 2012

શોધું છું - બાબુલ


નિરાંત શોધું છું
હું જાત શોધું છું
છે કેટલી મારી
વિસાત શોધું છું
રે સપના જેવી
એ રાત શોધું છું
ક્યાં હતી ખાનગી  
જે વાત શોધું છું
છું  બાબુલ તો યે
હું તાત શોધું છું
ન  હોત જો બાબુલ
શું થાત શોધું છું


બાબુલ

Sunday, 22 January 2012

દોસ્ત - બાબુલ

દોસ્ત જો થવું હો તો  વિશ્વાસ બની જો
આખરે પણ થાય તો પ્રાસ બની જો 
આવ તો  કરું ખાલીપાને  રણકાતા 
ઓ હવા તું કદી મારો શ્વાસ બની જો 

બાબુલ ૨૨/૧/૧૨ 


Sunday, 15 January 2012

પૂછી જો - બાબુલ


શું શું  સાચવે કોટને પૂછી જો
સાલે છે શું એ ખોટને પૂછી જો
ના દે દોષ લોહિયાળ પથ્થરને
કોનો હતો ઘા ચોટને પૂછી જો
મારો ખુદા તો સતત ધબકતો
છે શોધ કોની દોટને પૂછી જો
ભેગા થવામાં પીડ હોતી નથી?
કેવી વીતે છે હોઠને પૂછી જો
દાણા હોત તો લ્હેરાત ‘બાબુલ’
ઊડી ગયેલા  લોટને પૂછી જો  

બાબુલ ૧૩/૧/૧૨

Saturday, 14 January 2012

મળે ન મળે -‘આદિલ’ મન્સૂરી

 શબ્દોમાં સંવેદન કે સંવેદન ખુદ શબ્દ થયા છે? માત્ર આદિલ ... ૧૦૦% !


નદીની રેતમાં રમતું નગર મળે મળે,
ફરી દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી માટીની ભીની અસર મળે મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
હસતા ચહેરા; મીઠી નજર મળે મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી શહેર, ગલીઓ, ઘર મળે મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે મળે.
વળાવા આવ્યા છે ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ’,
અરે ધૂળ પછી ઉમ્રભર મળે મળે
આદિલમન્સૂરી